ચીમકી:નરેડીની કંપનીમાં રજુઆત કરવા ગયેલા સ્થાનિકોને પોલીસ કેસની ધમકી અપાઈ

નલિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંગો નહિ સ્વીકારાય તો આઠ ગામના લોકોએ આપી આંદોલનની ચીમકી

અબડાસા તાલુકાના નરેડી વિસ્તારમાં આવેલી કંપની દ્વારા સ્થાનિકો મજૂરોનું શોષણ કરવામાં આવતા અહીંના લોકો દ્વારા કંપનીમાં રજુઆત કરવામાં આવી હતી જોકે કંપનીના મેનેજર દ્વારા લોક રજુઆત સાંભળવાના બદલે સ્થાનિકોને પોલીસ કેસની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, નરેડીમાં આવેલી ગુજરાત ક્રેડો મિનરલ્સ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 1 દાયકાથી મજૂરોનું શોષણ કરાય છે. સ્થાનિક કામદારોને નિયમિત મહેનતાણું ચુકવવામાં આવતું નથી તેમજ ફરિયાદ કરો તો ચોરીની બદ લગાવી નોકરીમાંથી છુટા કરી દેવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ અંગે મેનેજરને રૂબરૂ રજુઆત કરવા માટે સ્થાનિકો ગયા હતા.

જોકે મેનેજર દ્વારા ગેરવ્યાજબી વર્તન કરી પોલીસ કેસની ધમકી આપવામાં આવી હતી લોકોની માંગણી છે કે,સ્થાનિકોને કામમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે,પૂરતો પગાર મળે જો માંગણીઓ નહિ સંતોષાય તો નરેડી, હિંગરિયા, કંકાવટી, મોથાળા, બાલાચોડ, નાંદ્રા, સણોસરા, ભીમપર સહિતના ગ્રામજનો ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ કરશે કંપની દ્વારા ગામના તળાવમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ રજુઆતમાં જાડેજા પ્રતાપસિંહ, સોઢા મહેન્દ્રસિંહ, શિવજીભાઈ મહેશ્વરી, કિશનસિંહ જાડેજા, અર્જુનસિંહ સોઢા, નરેન્દ્રસિંહ જાડેજા, સમય શાહુ જોડાયા હતા.