અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારે જીવતો વીજ વાયર નીચે ધડાકા સાથે પટકાયો હતો, અવાજ બાદ બહાર નીકળેલા 108ના કર્મચારીને પણ વીજશોક લાગ્યો હતો.
નલિયામાં સવારે 5 વાગ્યાના અરસામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં આવેલા વીજ થાંભલામાં શોર્ટ સર્કિટના કારણે જીવતો વીજ વાયર ધડાકા સાથે નીચે પડ્યો હતો. અવાજ થતાં 108નો કર્મચારી જોવા માટે બહાર આવ્યો હતો, અને તે દરમ્યાન તેનો પગ આ જીવતા વીજરેષા પર આવી જતાં તેને પણ સામાન્ય શોક લાગ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત અહીં પાર્ક કરાયેલી 108 ઉપર પણ જીવતા વીજરેષા પડ્યા હતા.
નલિયા તેમજ આસપાસના ગામોના લોકો સારવાર માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, જેથી અને દિવસ દરમ્યાન આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોની ચહલ-પહલ વધુ હોય છે ત્યારે આ બનાવ વહેલી સવારે બન્યો હોઇ દવાખાનાના પટાંગણામાં કોઇ ન હોઇ જાનહાનિ ટળી હતી.
લાંબા સમયથી ટ્રાન્સફોર્મર, વીજરેષા જર્જરીત
સરકારી દવાખાના પટાંગણમાં આવેલા ટ્રાન્સફોર્મર અને વીજરેષા લાંબા સમયથી જર્જરીત હાલતમાં છે. દર્દીઓથી ઉભરાતા આ દવાખાનામાં ટ્રાન્સફોર્મર અને વીજ વાયરોના કારણે કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા વીજતંત્ર દ્વારા વહેલી તકે બદલવામાં આવે તેવી માગ લોકો દ્વારા ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.