વિવાદ:સાંગનારામાં પવનચક્કીનો વિવાદ વકર્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા નખત્રાણા પ્રાંત કચેરીએ

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર લોકો સામે ખોટી રીતે એટ્રોસીટીની ફરિયાદ થઇ હોવાનો આક્ષેપ: કંપની અને ગ્રામજનો વચ્ચે અવારનવાર સર્જાય છે ઘર્ષણ

નખત્રાણાના તાલુકાના સાંગનારા ગામે પવનચક્કીના મામલે નોંધાયેલી એટ્રોસીટીની ફરિયાદ ખોટી હોવાની રજુઆત કરવા ગ્રામજનો નખત્રાણા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. ગામના ચાર જણ વિરુદ્ધ થયેલી ફોજદારી અંગે યોગ્ય તપાસની માગ સાથે આવેદનપત્ર અપાયું હતું જેમાં અનુસૂચિત જાતિના લોકો પણ જોડાયા હતા. ગામમાં પવનચક્કી ઉભી કરવાના મામલે કંપની અને ગ્રામજનો વચ્ચે અવાર નવાર ઘર્ષણની સ્થિતિ સર્જાય છે.

બે દિવસ પૂર્વે નારણપર મોસુડા રોડ પર વિનસોલ કંપનીના વીજ પોલ લગાડવાની કામગીરી દરમ્યાન સુપરવાઈઝર મહેશ હરિલાલ પરમાર દ્વારા સંગનારાના 4 વ્યક્તિઓ વિરુદ્ધ કામગીરી અટકાવી ગાળો આપી, જાતિ અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધવાઇ હતી. આ બનાવના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા જેના અનુસંધાને ગામના વિવિધ સમાજના આગેવાનો સાથે અનુસૂચિત જાતિના પ્રમુખ અગ્રણીઓએ પ્રાંત કચેરી ખાતે રૂબરૂ પહોંચી યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે પવનચક્કીના કોન્ટ્રાકટર દ્વારા ગામના લોકો વચ્ચે વિખવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.

કથિત આધારો સાથે પવનચક્કી એકમના લોકો ધરાર ગામની સીમમાં કામગીરી કરવા આવે છે. અને આ માટે વિરોધ કરતા ગ્રામજનોને ખોટી ફોજદારી દાખલ કરાવી વિખવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના સામે એટ્રોસીટીની ફરિયાદ થઈ છે તે પૈકી એક વ્યક્તિ તો છેલ્લા ચાર વર્ષથી ગામમાં છે પણ નહીં છતાં તેનું નામ આપી કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે.

આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જે જાતિ અપમાનિત ફરિયાદ દાખલ થઈ છે તે એફઆઈઆર સી સમરી ભરી રદ્દ કરવામાં આવે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે રજૂઆત વેળાએ સાંગનારાના સરપંચ મંજુલાબેન જેપાર, ઉમરા પાલા જેપાર, લાલજી લીંબાણી, લક્ષમણ રબારી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...