અકસ્માત:નખત્રાણા પાસે માર્ગ અકસ્માતમાં બાઇકના બે ટુકડા, યુવાનનું મોત

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ રોડ પર બનેલી ઘટનામાં દેશલપર(ગું)ના બાઇકચાલકને કાળ આંબ્યો
  • સ્થાનિકે એબ્યુલન્સમાં ડીઝલ ન હોવાના વાંકે યુવકને સારવાર નસીબ ન થઇ

નખત્રાણામાં કોલેજ રોડ પર કાળી ચૌદસે જાણે કાળ બેઠો હોય તેમ બોલેરો જીપ અને મોટર સાયકલ ધડાકા ભેર અથડાતાં દેશલપર ગુંતલીના 22 વર્ષીય ખેતશી મંગલસિંહ સોઢા નામના યુવકને સારવાર કારગત થાય તે પૂર્વે મોત આંબી ગયું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ધડાકાથી બાઇકના બે ટુકડા થઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આ દુર્ઘટના ચાર વાગ્યાના અરસામાં નખત્રાણા કોલેજ રોડ પર જલેબી હોટલ પાસે બની હતી. જેમાં બોલેરો જીપ અને બાઇક ધડાકા સાથે સામ સામે અથડાયા હતા. અને બાઇક ના બે ટુકડા થઇ ગયા હતા. બાઇક ચાલક ખેતશી મંગલસિંહ સોઢાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકમાં પાછળ બેઠેલા જશવંતસિંહ ગોપાલસિંહ સોઢાને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આસ પાસથી લોકો દોડી આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સમાં ડીઝલ અને ટાયર ન હોવાનું જાણવા મળ્યું હતું એમ્બ્યુલન્સ મોટી પડતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર નસીબ થઇ ન હતી. તો, અન્ય ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ભુજ-મુન્દ્રા રોડ પર બે બાઇક અથડાતાં યુવાન જખમી
ભુજ મુન્દ્રા રોડ પર કચ્છ યુનિવર્સિટીની સામે રહેતા મુકેન્દ્રસિંહ બવનસિંહ યાદવ (ઉ.વ.35) પોતાની મોટર સાયકલથી મંગળવારે રાત્રે જતા હતા ત્યારે બીએસએફ કેમ્પ પાસેના રોડ પર સામેથી રોંગ સાઇડમાં અજાણી બાઇક આવીને ટકકર મારી નાસી જતાં ઘાયલ યુવાનને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સ્પીડ બ્રેકર પરથી બાઇક ઉછળતાં નીચે પડી જવાથી રવાપરની મહિલાને ઇજા
નખત્રાણા તાલુકાના રવાપર ગામે રહેતા વાછીયાભાઇ મેઘાભાઇ રબારી અને તેમના પત્ની ભચીબાઇ વાછીયાભાઇ રબારી મોટર સાયકલથી નખત્રાણા આવતા હતા ત્યારે મોરાય ગામ પાસે બમ્પ પર બાઇક ઉછડતાં ભચીબેન રોડ પર પડી જતાં ઇજા થવાને કારણે સારવાર માટે જી.કે.માં ખસેડાયા હતા.

નલિયા-સુખપર રોડ પર બાઇક સ્લીપ થતાં મહિલા ઘાયલ
અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે રહેતા શાંતાબા મલુભા પઢીયાર (ઉ.વ.) તેમના પતિ સાથે મોટર સાયકલ પર નલિયાથી વાડાપધ્ધર જતા હતા ત્યારે સુખપર ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતાં પડી જવાથી ઇજા પહોંચી હતી. નલિયા સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ ભુજ જી.કે.માં દાખલ થયા હતા.

નાના અંગીયા પાસે બાઇક સ્લીપ થતાં યુવાન ઘવાયો
નખત્રાણા તાલુકાના નાના અંગીયા ગામે રહેતા કાનભાઇ રામાભાઇ રબારી (ઉ.વ.29) પોતાની મોટર સાયકલથી ઘરે જતા હતા ત્યારે તેમની બાઇક સ્લીપ થઇ જતાં પડી જવાથી ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલને તેમના મિત્ર પાલાભાઇ કચરાભાઇ રબારીએ સારવાર માટે જી.કે.માં દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...