તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલે કચ્છી નવું વર્ષ ઉજવવા ઉત્સાહ:વિથોણમાં અષાઢી બીજે ઉજવાતો જળ પ્રક્ષાલન ઉત્સવ દેશભરમાં અનોખો

નખત્રાણા22 દિવસ પહેલાલેખક: સી.કે. પટેલ
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • પણ કોરોના મહામારીએ લાદેલી પાબંદી સતત બીજા વર્ષે પણ ઉજવવામાં નડશે

અષાઢી બીજ તહેવારના નામ માત્રથી વિશ્વભરમાં રહેતા કચ્છી માડુના મન પુલકિત થઇ ઉઠે છે. સામાન્ય રીતે ભારતમાં અષાઢી બીજનો દિવસ રથયાત્રા દીન તરીકે ઓળખાય છે પણ કચ્છીઓ માટે એ નવું વર્ષ છે. સોમવારે અષઢના બીજા દિવસે કચ્છ જ નહીં દેશ-દેશાવરમાં નૂતન વર્ષ ઉજવવા થનગનાટ છે પરંતુ સતત બીજા વર્ષે કોરોના મહામારીએ લાદેલી પાબંદીઓ ઉત્સવ ઉજવવામાં નડશે.અષાઢી બીજ એ કુદરત(વરસાદ) અને વતનપ્રેમના પ્રતીકરૂપે મનાય છે. ખેડૂત વર્ગ કચ્છી નવા વર્ષે ખેતીની જમીનના સોદા કરે છે.

માલધારીઓ પશુઓની ખરીદી કરી પૂજન કરે છે. દરિયા ખેડૂઓ દરિયાલાલની પૂજા કરવા કાંઠે જાય છે, પોતાના વહાણોને શણગારે છે અને વહાણ પર નવા વાવટા કચ્છી નવા વર્ષે ફરકાવાય છે. દરેક કચ્છીઓના ઘરોમાં કુળદેવીની પહેડી(નૈવેદ) અચૂક થાય છે. નવી દુકાનો કે વ્યાપારીક સાહસનો શુભારંભ કચ્છીઓ અષાઢી બીજના કરે છે. ગામના પાદરમાં આવેલા પ્રત્યેક સતી-સુરાના પાળિયાને સીંદુર લગાવી, ધૂપ-દીપ નૈવેદ્યથી પૂજન-અર્ચન પણ કરવામાં આવે છે.

નખત્રાણા તાલુકાના વિથોણવાસીઓ માટે અષાઢી બીજનો દિવસ એક અલગ રીતનો ઉત્સવ છે ! લોક વાયકા મુજબ વિથોણમાં અંદાજે 400 વર્ષ પહેલાં સંત ખેતાબાપાના જીવતાં સમાધી લેવાના સમયે સૌ ગામવાસી શોકતુર અને વ્યાકુળ હતાં ત્યારે બાપાએ સૌને આશીર્વચન તેમજ ધર્મોપદેશ આપ્યા. બાપાના આદેશ મુજબ ગામની પુત્રવધુઓ શિયાલ સરોવરમાંથી પાણી ભરી પ્રથમ બાપાને અને પછી સૌએ એકબીજાને જળ પ્રક્ષાલન કરીને બાપાના સમાધી લેવાના દિવસે એક ઉત્સવ તરીકે ઉજવ્યો અને દર વર્ષે ઉજવતા રહ્યા.

જે પરંપરા આજ સુધી કાયમ છે.આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ખેતા બાપાના મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. રાત્રે સંતવાણી અને ભજન દ્વારા બાપાના ગુણગાન ગવાય છે. બીજના દિવસે વહેલી સવારથી જ સૌ ગામવાસીઓ પરિવાર સહિત બાપાના દર્શને પ્રસાદનો થાળ લઇ ગીત ગાતાં આવે છે. મુંડ દીઢ શ્રીફળ વધેરી સુખડીનો પ્રસાદ ધરાવે છે. આજુ બાજુના ગામ લોકો પણ દર્શન કરી ધન્યતા અનુભવે છે.વિથોણની પરંપરાગત રીતે મનાતી અષાઢી બીજનો ખરો ઉત્સવ બપોર પછી પરાકષ્ઠાએ પહોંચે છે.

ગામની વહુઓ એકરંગી પરિધાન સાથે શણગારેલી હેલ લઇ મંગળ ગીતો ગાતી ખેતાબાપાના ધામમાં જાય છે. ત્યાં બાપાની સમાધીને શુધ્ધ જળથી સ્નાન કરાવ્યા બાદ ઢોલના તાલે શિસ્તબધ્ધ રીતે ગામમાં આવે છે ત્યારે તે જોવાનો લહાવો પણ અદભૂત છે ! પ્રથમ વાનપ્રસ્થ વડીલોને જળ પ્રક્ષાલન કરવામાં આવે છે અને પછી ગ્રામજનો નાના-મોટા, ઉચ-નીચના ભેદ ભૂલી એકબીજા પર પાણીની છોળો ઉડાડી ઉત્સવની ઉજવણી કરે છે.

ગામમાં જાણે વરસાદ વરસ્યો હોય તેમ પાણી વહીં નીકળે છે ! ગ્રામ પંચાયત પણ પાણીની અાપૂર્તિ કરી અનેરા ઉત્સવમાં સહભાગી બને છે. વિથોણનો આ અનોખો જળોત્સવ વરસાદના દેવતાને રીઝવવાની એક પ્રાર્થના છે અને સાથે સાથે એક વિશુધ્ધ પારિવારિક આનંદ માણવાનો મહોત્સવ પણ છે. કોરોના મહામારીને કારણે ભલે આ વર્ષે પણ તેની સાંકેતિક ઉજવણી થવાની હોય પણ વિથોણવાસી માટે તેનું મહત્વ પુરીની રથયાત્રા કરતાં પણ અધિક છે... મહામારી પુરી થાય એટલી જ વાર છે...!

કચ્છી નવા વર્ષનો એક હજાર વર્ષ પૂર્વેનો ઇતિહાસ છે ઘણો રોચક
અષાઢી બીજના જ કચ્છી નવું વર્ષ શરૂ થવા અંગે ઘણી દંત કથાઓ પ્રચલિત છે પણ સૌથી વધુ માન્યતા લાખા ફુલાણીની કથાને મળેલ છે. આશરે હજારેક વર્ષ પહેલાં કચ્છ પ્રદેશ પર જામ લાખા ફુલાણીનું રાજ હતું. જામ લાખા જ્યારે યુવાન રાજકુમાર હતા ત્યારે એક વાર રાણીઓની કાન ભંભેરણીથી રાજા જામ ફુલાણીએ પોતાના પુત્ર લાખા ફુલાણીને દેશવટાની શિક્ષા કરી. પિતાની આજ્ઞા માથે ચડાવી લાખો ફુલાણી કચ્છ મુલકને રડતા હૃદયે રામ રામ કરી પાટણ તરફ ચાલી ગયા અને પાટણના રાજા સામંતસિંહ ચાવડા પાસે અનેક પરાક્રમો કરી મોભાદાર સ્થાન મેળવીને નામના કમાવી.

લાખા ફુલાણીના દેશવટા બાદ કચ્છમાં ઉપરાઉપરી દુષ્કાળ પડવા લાગ્યા અનાજ વગર મનુષ્ય અને ઘાસ-પાણી વગર ઢોર મૃત્યુ પામવા લાગ્યો. દુકાળની ચિંતામાં રાજા જામ ફુલાણી મૃત્યુ પામ્યા. પિતાના મૃત્યુના સમાચાર જાણી દુ:ખી લાખો ફુલાણી પાટણથી કચ્છ પાછા ફર્યા. જે દિવસે લાખા ફુલાણી કચ્છ પાછા ફર્યા એ દિવ અષાઢી બીજનો હતો. લાખા ફુલાણીએ કચ્છમાં પગ મૂકતાં જ ધોધમાર વરસાદનું આગમન થયું એના માનમાં કચ્છી નવા વર્ષની શરૂઆત થઇ અને આ રીતે રાજવી લાખા ફુલાણીએ કચ્છના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કરી દીધું.

દેશમાં વિથોણવાસીઓ વસે છે ત્યાં પણ ઉજવાય છે અનોખો ઉત્સવ
વિથોણવાસી કચ્છ બહાર જ્યાં જ્યાં પણ વસે છે ત્યાં અષાઢી બીજના દિવસે પાંખી પાળી સામૂહિક મિલન અને ઉજવણી કરે છે. નાગપુર,રાયપુર,અમદાવાદ, વડોદરા,સુરત જેવા શહેરોમાં વિથોણની જેમ જ જળ પ્રક્ષાલન કરે છે ! ઓરિસ્સામાં બાલેશ્વર ખાતે પણ વિથોણ પાંચાડાના લોકો આ ઉત્સવની અનેરી ઉજવણી કરે છે.

અન્ય સમાચારો પણ છે...