નખત્રાણા તાલુકાના નેત્રાનું પશુ દવાખાનું છેલ્લા અઢી કરતાં વધુ વર્ષથી ચિકિત્સક વિહોણુ હોતાં આ વિસ્તારના માલધારીઓ નાછૂટકે અબોલ જીવોની સારવાર કરાવવા ખાનગી ડોક્ટર પાસે જવા મજબૂર બન્યા છે. આ બાબતે અનેક સ્તેર વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતો હોવાથી પશુ પાલકોમાં રોષ ફેલાયો છે.
તબીબ ન હોતાં સ્થાનિક ઉપરાંત રસલિયા, રામપર, લક્ષ્મીપર, બાંડિયારા સહિતના 16 જેટલા ગામોના માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પશુ દવાખાનનો વધારાનો ચાર્જ ડો. અશ્વિન પટેલને સોંપાયો છે પણ તેઓ સતત ગેર હાજર રહેતા હોવાના આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા પશુ દવાખાનામાં કરાર આધારિત પટાવાળાની નિમણૂક કરાઇ હતી તેમને પણ છેલ્લા એક વર્ષથી છૂટા કરી દેવાયા છે. સમસ્યાનો ઉકેલ લાવવા ખીરસરા, બાંડિયા, રામપરસરવા, રસલિયા સહિતની ગ્રામ પંચાયતોએ તાજેતરમાં નાયબ પશુ પાલક નિયામક અને એકાદ વર્ષ પહેલાં તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ ગત જૂન માસમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર પાઠવીને ઉકેલ લાવવા તાકીદ કરી હતી તેમ છતાં હજુ સુધી કાયમી પશુ ચિકિત્સકની નિયુક્તિ થઇ નથી તેમ નેત્રા ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય હારૂન કુંભારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.