ક્રાઇમ:શિવનગરમાં શિક્ષકના ઘરમાં ઘૂસેલા તસ્કરો લોકો જાગી જતાં નાઠા

નખત્રાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણામાં ચોરોનો તરખાટ : ત્રણ સ્થળે હાથ માર્યો
  • મણિનગરમાં બે મકાનમાંથી એકમાં ચાંદીના સાંકળા ગયા

શીયાળાનો ચમકારો હજુ શરૂ થયો છે ત્યાં પશ્ચિમ કચ્છમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. નખત્રાણાના મણીનગર અને શિવનગરમાં મંગળ-બુધવાર દરમિયાન રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. મણીનગરમાં બે મકાનો પૈકી એક મકાનમાંથી ચાંદીના સાંકડાની જોડ ગઇ હોવાનું જ્યારે શિવનગરમાં શિક્ષકના ઘરમાં ચોરી કરવા ગયા પણ જાગૃત લોકોના કારણે નિશાચરો ટામી સહિતના સાધનો મુકી નાસી છુટ્યા હતા. વારંવાર આ વિસ્તારમાં ચોરીના બનાવને લઇ રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

માહિતગર સુત્રોના જણાવ્યા પ્રમાણે અહીંના મણિનગર વિસ્તારમાં જલારામનગરમાં બે બંધ મકાનમાંથી ચોરી થઇ હોવાની ઘટના બહાર આવી છે. આ બન્ને મકાનના રહેવાસીઓ મોથાણા દેવ દર્શન કરવા ગયા હતા અને રાતે કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઘરને ટારગેટ બનાવી દરવાજોના તાળા તોડ્યા હતા. જે પૈકી એક મકાનમાંથી ચાંદીના સાંકડા ની ચોરી કરી ગયા હોવાનું જાણવા હતું. આ ચોરીની ઘટનાની જાણ થતા હોમ ગાર્ડ કમાન્ડિંગ ઓફિસર નવીન સોની ત્યાં પહોંચીને જાણકારી મેળવી હતી.

અને વહેલી સવારે હોમગાર્ડ ત્યાં પહોંચી ગયા હતા. તે ઉપરાંત અહીંના શિવનગરમાં પણ ગત મંગળવારની રાત્રીના ત્રણ વાગ્યે શિક્ષકના બંધ મકાનમાં ચોરી કરવા તસ્કરો ઘુસ્યા હોવાનો અવાજ થતાં બાજુમાં રહેતા પાડોશીઓ જાગી ગયા હતા. બુમા બુમ કરી મુક્તા નિશાચર ટામી અને તૂટેલું તાળું મૂકી ભાગી છુટ્યા હતા. જો કે, આ તસ્કરીના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ થઇ ન હતી પરંતુ રહેવાસીઓએ સઘન પેટ્રોલીગની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...