હાલે દરેક ચીજ વસ્તુઓની કિંમત ઉંચકાઇ છે. મોંઘવારીનો પરોૅક્ષ રીતે ફાયદો થતો હોય તેમ નખત્રાણામાં એક કિલો પસ્તીનો ભાવ 50 રૂપિયાને પાર થતાં ગૃહિણીઓમાં ખુશી જોવા મળે છે. રાજયની બહાર મોકલાતા બાગાયતી પાકોના પેકિંગમાં ખપત વધી જતાં પસ્તીના ભાવ ઉંચકાયા હોવાનું જાણવા મળ્યું હતું.
દાડમ અને પપૈયા જેવા પાકોની ખેતી કરતા ખેડૂતોને પેકિંગ માટે ટનના હિસાબે પસ્તીની જરૂર પડતી હોવાની વાતમાં સૂર પૂરાવતાં કિસાન આગેવાન જગદીશ કેસરાણીએ કહ્યું હતું કે, નખત્રાણા પંથક બાગાયતી ખેતીનો હબ મનાય છે. 10 કિલો દાડમના પેકિંગમાં અડધો કિલો જેટલી પસ્તી ખપી જાય છે.
અત્યારે બજારમાં એક કિલોના 40 રૂપિયા આપતાં પણ પસ્તી મળતી નથી. રાજ્યમાં કે બહાર મોકલાતા દાડમના બોક્સના તળિયામાં તેમજ ઉપરના ભાગે પસ્તી મૂકીને પેકિંગ કરવું પડે છે તેવી જ રીતે પપૈયાને પણ પસ્તીમાં વીંટવા પડે છે અન્યથા માલ બગડી જાય છે. મોંઘી પસ્તી હાલે કિસાનોને પરવડતી નથી પણ પેકિંગ માટે તેના સિવાય કોઇ વિકલ્પ ન હોતાં મોંઘા ભાવે પણ ખરીદવી પડે છે.
પેકિંગનું કામ કરતા રમેશ ધનાણીએ જણાવ્યું હતું કે, નખત્રાણાથી દિલ્હી સુધી દાડમ પહોંચાડવા હોય તો ખેડૂતને પ્રતિ કિલો 15 રૂપિયા જેટલો પેકિંગ ખર્ચ લાગે છે. ભાડું અને દલાલી સહિતના ખર્ચ અલગથી લાગે છે.
એક માસના અખબારનો ખર્ચ નીકળી જાય
વાચકો એક માસ સુધી અખબાર ખરીદે તેની પસ્તી ત્રણેક કિલો જેટલી થઇ જાય છે. આમ અખબારના માસિક બિસ જેટલો ખર્ચ પસ્તી વેચીને નીકળી જતો હોવાથી હાલે પસ્તીના ભાવોને જોતાં સરવાળે અખબાર મફતમાં આવી જાય છે.
પપૈયા, ચીકુ કરતાં પણ પસ્તી મોંઘી
નખત્રાણાની બજારમાં હાલે દાડમ, પપૈયા અને ચીકુનો ભાવ એક કિલોના 15થી 20 રૂપિયા જેટલો છે. તેની સામે પસ્તીના દામ બેથી અઢી ગણા એટલે કે 40થી 50 રૂપિયા મળતાં એક કિલો પસ્તી વેચીને બે કિલો જેટલું ફ્રૂટ ખરીદી શકાય છે. આમ પસ્તીનો ભાવ વધતાં લોકોને દેખીતો ફાયદો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.