તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર આપવાની નવી પદ્ધતિ ‘ઉલમાંથી ચૂલ’માં પડવા જેવી

નખત્રાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી ઓનલાઇન પ્રક્રિયા ખેડૂતો માટે જટીલ અને મોંઘી બની: અરજી દીઠ રૂા. 2000 નો ફટકો
  • દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાની સાથે સંબંધિત પ્રાંત કચેરીમાં પણ જમા કરાવવાથી ઓનલાઇનનો કોઇ મતલબ નહી
  • ગામ નમૂના નં-6,7/12, 8-અ જેવા અન્ય કોઇ દસ્તાવેજ અપલોડ કરવાના નથી તેવી સ્પષ્ટ સૂચના છતાં પ્રાંત કચેરીઓ દ્વારા રખાતો આગ્રહ

સરકાર દ્વારા જમીની હકીકત જાણ્યા વગર લેવાતા નિર્ણયથી પ્રજા કેવી પરેશાન થતી હોય છે તેનો વધુ એક દાખલો જોવા મળ્યો છે. ગુજરાતમાં ખેતીની જમીન ધારણ કરનાર માટે ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર આપવાની પધ્ધતિમાં ખાતેદારોને થતી હાલાકી અને વિલંબ નિવારવા મહેસુલ વિભાગ દ્વારા ગત વર્ષથી અમલમાં આવેલી ઓનલાઇન પ્રક્રિયા સરવાળે ખેડૂત ખાતેદારો માટે માથાકુટવાળી અને ‘મોંઘી’ સાબિત થઇ રહી હોઇ, ખેડૂતો માટે ‘ઉલમાંથી ચૂલ’માં પડવા જેવો ઘાટ સર્જાયો છે !

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જુલાઇ 2020 થી અમલમાં આવેલી આ નવી ઓનલાઇન કાર્યપધ્ધતિને કારણે ખેડૂતોની પરેશાની ઉલટાની વધી ગઇ છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સરળ થવાને બદલે જટિલ બની ગઇ છે. ગુજરાતમાં હાલમાં એક તાલુકાના ખેડૂતનેે બીજા તાલુકામાં ખેતીની જમીન ખરીદવી હોય તો આ ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની જરૂર રહે છે. અગાઉ આ પ્રમાણપત્ર ખેડૂત મૂળ જે તાલુકાના ખાતેદાર હોય તે તાલુકાના મામલતદાર ઇસ્યુ કરતા હતા, પણ હવે ઓનલાઇન પ્રક્રિયામાં જે તે પ્રાંત અધિકારીને આ અધિકાર આપવામાં આવ્યા છે.

ઓનલાઇન અરજીમાં ખાતેદારે પોતાની સહીવાળી અરજી, સોગંદનામું અને ખાસ કોઇ પુરાવાઓ હોય તો તે અપલોડ કરવાના હોય છે, તે ઉપરાંત આ અસલ દસ્તાવેજો સંબંધિત પ્રાંત કચેરીમાં પણ જમા કરાવવાના રહેતા હોઇ, ઓનલાઇન અરજીનો ખાસ અર્થ રહેતો નથી. વળી એક અરજી દીઠ રૂા. 2000 ઇ-ધરા ફંડમાં જમા કરાવવા ફરજિયાત છે!

મહેસુલ વિભાગના તા. 31-07-2020 વાળા પરિપત્રમાં અરજી સાથે ગામ નમૂના નં-6,7/12, 8-અ જેવા અન્ય કોઇ દસ્તાવેજ અપલોડ કરવાના નથી તેવી સ્પષ્ટ સૂચના લખી હોવા છતાં પ્રાંત કચેરીઓ દ્વારા આ નમૂનાની જૂની ઉતરોતર નકલો માંગવાનું ચાલુ હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં ડિજિટાઇઝેશન બાદ તમામ મહેસુલી રેકર્ડ ઓનલાઇન ઉપલબ્ધ છે ત્યારે ખાતેદાર પાસેથી તે રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. તે હકીકત માત્ર આ પ્રક્રિયામાં બધું સમૂસુતરું નથી તે સૂચવે છે.

અધૂરાશોના બહાને અરજી દફતરે કરી દેવાનો અબાધિત અધિકાર તંત્ર પાસે હોઇ, ગરજવાન ખાતેદારો પાસે ‘વહેવારુ’ થવા સિવાય બીજો કોઇ રસ્તો બચતો નથી ! 2005 થી સરકારે તમામ રેકર્ડનું ડિજિટલાઇઝેશન કર્યું છે અને હક્કપત્રક નમુના નં.6, 7-12,8 - અ સહિતના ઉતારાઓ ઓનલાઇન મળી રહે છે. તેમ છતાં પણ ખેડૂત ખરાઇ ટાંકણે આ રેકર્ડનો ધરાર આગ્રહ રખાય છે.

અગાઉ રૂા. બે હજારમાં વહીવટ થતો હવે સરકાર એટલા વસુલે છે !
ખેડૂત વર્તુળોના આક્ષેપ મુજબ અગાઉ મામલતદાર પાસે ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવાના અધિકાર હતા ત્યારે માત્ર 2000 રૂા. ના ‘વહીવટ’માં કામ થઇ જતું જે અત્યારે ખુદ સરકાર રૂા.2000 તો અધિકૃત રીતે વસુલે છે જ ! તે ઉપરાંત એક પ્રમાણપત્ર દીઠ 5 થી 10 હજાર જેવો બીજો ‘ખર્ચ’ કરવો પડે છે !

સામાન્ય ખેડૂતોને પ્રક્રિયા સમજાતી નથી
ઓનલાઇન અરજીમાં ખાતેદારે એટલી ઝીણી ઝીણી વિગતો આપવાની હોય છે કે સામાન્ય ખેડૂત આ પ્રક્રિયા કરી શકે તેમ જ નથી ! આ માટે તેણે ફરજિયાત કન્સલ્ટીંગ કરતા લોકોને સાધવા જ પડે... ઓનલાઇન ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર કરતાં ઓનલાઇન પાસપોર્ટની પ્રક્રિયા સરળ હોવાનું માહિતગારોનું કહેવું છે !

અન્ય સમાચારો પણ છે...