તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુદ્ધનાં સંભારણાં:1971ના યુદ્ધમાં પાકિસ્તાને ઝીંકેલા 2 બોમ્બે નખત્રાણાના ઘડાણી અને નાડાપા વિસ્તારને ધણધણાવી નાખ્યા હતા

નખત્રાણા4 મહિનો પહેલાલેખક: સી.કે. પટેલ
  • કૉપી લિંક
  • પાંચ દાયકા પૂર્વેની લડાઈની જાણી-અજાણી રસપ્રદ કહાની
  • 700-800 ફૂટ ખેતરમાં બેઠેલા વૃદ્ધા કંકુમા આબાદ બચી ગયાં

1971ના ડિસેમ્બરની કાતિલ ઠંડીના એ દિવસો હતા. ભારતની પૂર્વ સરહદે પાકિસ્તાન સાથેનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું હતું અને ભારતને ભીડવવા માટે પાકિસ્તાને પશ્ચિમ સરહદે પણ હુમલા શરૂ કરી દેતાં કચ્છની સીમાએ પણ દુશ્મન દેશનાં લડાકુ વિમાનોની ઘરેરાટીઓ સતત સંભાળાઈ રહી હતી. સીમાવર્તી કચ્છ જિલ્લામાં સર્વત્ર ભય અને અજંપાનો માહોલ છવાયેલો હતો.

અવનિ પર અંધારાનાં ઓળાં ઊતરી ચૂક્યાં હતાં. નખત્રાણા તાલુકાના ઘડાણી ગામથી ત્રણ કિ.મી. દૂર નાડાપાના સીમાડામાં આવેલા કરસન ભગતના ‘ભૂતિયું’ ખેતરમાં મગફળીના પથારાના રખોપા માટે તેમનાં 80 વર્ષીય કંકુમા રોકાયાં હતાં અને બાકીના સભ્યો ઘરે વાળુ-પાણી કરવા ગયા હતા ત્યાં અચાનક રાત્રે નવ વાગ્યાની આસપાસ વિમાનોના કાન ફાડી નાખે તેવા અવાજ સંભળાયાની સાથે જ બે ભયંકર ધડાકા સાથે ધરતી ધણધણી ઊઠી અને આંખને આંજી દેતો પ્રકાશ દૂર દૂર સુધી રેલાઇ ગયો.

શું બની ગયું એ સમજતાં ઘડાણી ગામના લોકોને વાર ન લાગી. કંકુમા નાડાપાની સીમમાં જ હતા એટલે તેના ઘરના સભ્યો અને ગામના લોકો હાથમાં ફાનસ લઇને સીમ તરફ દોડ્યા. કંકુમા તો ખાટલામાં હેમખમ હતાં, પણ તેમનાથી 700-800 ફૂટ દૂર મોત જેવા બે કાતિલ બોમ્બ પાકિસ્તાની ફાઇટરો ઝીંકી ગયા હતા, પણ સદભાગ્યે કંકુમા આબાદ બચી ગયાં હતાં.

બીજા દિવસે ઘટનાસ્થળે આજુબાજુનાં બધાં ગામોમાંથી લોકો ઊમટી પડ્યા હતા. બોમ્બની કરચો એકઠી કરી લોકોએ પોલીસે સુપરત કરી હતી. વાલ્કા, પાનેલી અને છેક દયાપરથી લોકો ગાડાં લઇ પાકિસ્તાનનો આ ‘નાપાક’ હુમલો જોવા આવ્યા હતા અને યુદ્ધમાં કેવી તારાજી થઇ શકે છે એ નજરોનજર નિહાળ્યું હતું.

8 ડિસેમ્બરની રાતે ભુજ-ઘડાણીમાં બોમ્બ ફેંકાયા
બાંગ્લાદેશના નિરાશ્રિતોની સમસ્યા ઉકેલવા માટે એ વખતનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ખુશ્કી દળના જનરલ સામ માણેકશા સાથે લાંબી ચર્ચા કરીને પાકિસ્તાન પર લશ્કરી આક્રમણ માટે ડિસેમ્બર 6, 1971ની તારીખ નક્કી કરી દીધી હતી, પરંતુ એ મુહૂર્ત આવે એના ત્રણ દિવસ પહેલાં જ યાહ્યાખાને ‘ઓપરેશન ચંગીઝખાન’ નામના લશ્કરી પ્લાન હેઠળ ભારત પર હવાઇ હુમલા શરૂ કરી દીધો હતો, જેના ભાગરૂપે નાડાપામાં તેમજ ભુજ હવાઇમથક પર 8 ડિસેમ્બરની રાત્રે સેબરજેટ વિમાનો દ્વારા 14 બોમ્બ ઝીંકી તબાહી મચાવી દીધી હતી. નષ્ટ થયેલા ભુજના એ રનવેને માધાપરની એ વિરાંગના બહેનોએ જીવના જોખમે રાતોરાત રિપેર કરેલો એ ઇતિહાસ જગજાહેર છે જ.

સૌથી વધુ જોખમ લખપત ગામને હતું
યુદ્ધ વખતે તાલુકાના મુખ્ય મથક લખપતમાં ફરજ બજાવતા અને હાલ ભુજના માધાપરમાં રહેતા હરેશભાઇ પુરોહિત એ ભયાનક દિવસોને યાદ કરે છે અને ભૂતકાળમાં સરી પડે છે. સૌથી વધુ જોખમ લખપત ગામને હતો, એટલે ચોરે ને ચૌટે યુદ્ધની જ ચર્ચા થતી. લખપતમાં એ વખતે આપણાં લશ્કરી હેલિકોપ્ટરોની અવરજવર વધી ગઇ હતી. તદ્દન નીચી સપાટીએ લખપતની ખાડી બાજુથી આવતાં પાકિસ્તાની વિમાનોની અવરજવર લોકોના હાંજા ગગડાવી નાખે એવી હતી. સંચાર સેવા નહિવત્ હતી અને રેડિયો પણ વી.આઇ.પી. લોકો પાસે જ હતા, એટલે એ અરસામાં અફવાઓ પણ ખૂબ ઊડતી.

નાડાપા ગામનો એ ખારોપાટ વિસ્તાર, જ્યાં પાકિસ્તાની બોમ્બરોએ બે બોમ્બ ઝીંક્યા હતા.
નાડાપા ગામનો એ ખારોપાટ વિસ્તાર, જ્યાં પાકિસ્તાની બોમ્બરોએ બે બોમ્બ ઝીંક્યા હતા.

રણ રસ્તે પાકિસ્તાન ઘૂસે એવી બીકથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો
યુદ્ધના એ ભયાનક દિવસોને યાદ કરતાં ઘડુલીના જશવંત પટેલ કહે છે: લખપત તાલુકો પાકિસ્તાનની જળ અને જમીનની સરહદને અડીને આવેલો વિસ્તાર હોઇ, સ્થાનિક લોકોમાં જબરો ફફડાટ હતો. રણ રસ્તે પાકિસ્તાનીઓ ચઢી નહીં આવે ને એ બીક પણ હતી. રાત્રે તો અંધારપટ ફરજિયાત હતો પણ ધોળા દિવસે વાડી-ખેતરમાં જતાં પણ બીતા હતા.

આવી હતી નાગરિકોની તૈયારી
લખપત તાલુકાનાં ગામડાંમાં એ વખતે વીજળી આવી નહોતી, એટલે લોકો અજવાળે જ વાળુ-પાણી કરી સૂઇ જતા, જેથી ફાનસ પેટાવવું ન પડે. ગામડાંમાં પણ સંપૂર્ણ અંધારપટનો કડકાઇથી અમલ કરવામાં આવી રહ્યો હતો. રાત્રિ મુકામ કરતી એકલદોકલ એસ.ટી. બસનાં છાપરાં પણ કાળા રંગથી રંગી દેવાયા હતા, જેથી પાકિસ્તાની બોમ્બરોને ઉપરથી દેખાય નહીં.

સરહદી વિસ્તારના લોકો અનુભવે છે ગાૈરવ
13 દિવસના એ યુદ્ધમાં લોખંડી વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશના જવાંમર્દ સૈન્યને છૂટોદોર આપી પાકિસ્તાનના બે ટુકડા કરી નાખી પાકિસ્તાનને એની અસલ ઓકાત બતાડી દીધી હતી. એ દિવસોને યાદ કરતાં આજે પણ સરહદી વિસ્તારના લોકો ગાૈરવ અનુભવે છે.

બોમ્બને કારણે પડેલા ખાડાઓ દર્શાવી રહેલા એ વખતના નજરી સાક્ષી એવા ઘડાણીના ડાહ્યાભાઇ રંગાણી.
બોમ્બને કારણે પડેલા ખાડાઓ દર્શાવી રહેલા એ વખતના નજરી સાક્ષી એવા ઘડાણીના ડાહ્યાભાઇ રંગાણી.

બોમ્બની કરચો ‘યાદગીરી’ રૂપે સાચવી રાખી
નાડાપાની સીમમાં પાકિસ્તાને ફેંકેલા બોમ્બની કરચો લાંબા વિસ્તાર સુધી ફેલાઇ હતી. સ્થાનિક રહીશોએ આ બધી કરચો વીણી પોલીસને સોંપી હતી તો નાની નાની કરચો લોકો ‘યાદગીરી’ માટે લઇ ગયા હતા, જે આજે પણ ઘણાનાં ઘરોમાં સચવાયેલી પડી છે, જે પાકિસ્તાની દુ:સાહસની યાદ અપાવી રહી છે.

બોમ્બની કરચો ‘યાદગીરી’ રૂપે સાચવી રાખી.
બોમ્બની કરચો ‘યાદગીરી’ રૂપે સાચવી રાખી.

બોમ્બ થકી પડેલા 1 ખાડામાંથી ખારું પાણી નીકળ્યું !
પાકિસ્તાની ફાઇટરોએ નાડાપાની સીમમાં બે બોમ્બ ઝીંક્યા હતા, જે 100 ફૂટના અંતરે પડ્યા હતા. જેને કારણે સ્થળ પર 15 અને 25 ફૂટના ખાડા પડી ગયા હતા અને એક ખાડામાંથી તો ખારું પાણી પણ નીકળ્યું હતું !

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો