કચ્છમાં કોરોનાના કેસો ઘટી જતાં લોકો હરખમાં આવી ગયા છે અને કોવિડ ગાઈડલાઇનના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે લોકો જાણે મહામારીમાંથી મુક્ત થવાની ઉજવણી કરતા હોય તેમ માસ્ક પહેરતા જ નથી અને સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશનનો મુદ્દો તો હવામાં ઉડી ગયો હોય તેમ લોકોને આ નિયમો તો હવે યાદ પણ આવતા નથી.
કચ્છના બારડોલી લેખાતા નખત્રાણામાં પણ આવી જ સ્થિતિ છે,આ નગરમાં તો લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ મળી ગઈ હોય તેમ માંડ પાંચેક ટકા લોકો જ માસ્ક પહેરેલા જોવા મળે છે,બાકીના તો માસ્ક વગર ફરી રહ્યા છે.હજી એક - દોઢ મહિના પૂર્વે જ બીજી લહેરની ભયાવકતા હતી ત્યારે પોલીસ દ્વારા ધોકો પછાડીને કાયદાની અને સરકારી જાહેરનામાની અમલવારી કરાવાતી હતી જોકે કેસો ઘટી જતાં લોકો મોજ મસ્તીમાં મગ્ન બની ગયા.
સરકારી તંત્ર કાર્યક્રમોમાં વ્યસ્ત બની ગયું જેથી સૌ કોઈ પોતાની મોજ મસ્તીથી ફરતા હતા જેથી હવે નખત્રાણામાં જાહેર સ્થળોએ માસ્ક પહેરીને ફરતા બહુ જ જૂજ લોકો જોવા મળે છે.નગરમાં વથાણ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં તો ખાણી પીણીના સ્ટોલો પર દરરોજ ભીડ જોવા મળે છે.કોરોના ગાઈડ લાઈનની કોઈને પડી ન હોય તેમ વર્તી રહ્યા છે લોકો પર જ દોષનો ટોપલો ઢોળવો વ્યાજબી નથી ત્રીજી વેવના ભણકારા વચ્ચે જનતાની બેદરકારી અને તંત્રની બેધારી નીતિ કહો કે નિષ્ક્રિયતા આ નિયમભંગ બદલ જવાબદાર હોવાનું અહીંના જાગૃત નાગરિકોએ કહ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.