વસંતોત્સવ:જેઠ માસના પ્રથમ બે રવિવારે દીકરીઓ દ્વારા ઉજવાતો વસંતોત્સવ

નખત્રાણા4 મહિનો પહેલાલેખક: સી.કે. પટેલ
  • કૉપી લિંક
  • કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિઅે વર્ષો જૂની પરંપરા જાળવી રાખી
  • દીતવારની ઉજવણીઅે ઇડો-ઇડી સહિતની રમાતી વિવિધ રમતો

જેઠ મહિનાના પહેલા બે રવિવારે ગામની દીકરીઅો દ્વારા ઉજવાતો દીતવારનો વસંતોત્સવ માત્ર કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિમાં જ જોવા મળે છે. વાડીઅોમાં જઇ ઝાડમાં હિંચકા બાંધીને ઝુલવાનો અને જુદી-જુદી રમતો રમવાનો અા ઉત્સવ વસંતઋતુ પછી પ્રકૃતિને ઉમંગભેર વધાવવાના ભાવ સાથે શરૂ થયો હોય અેવું લાગે છે.

કચ્છના કડવા પાટીદાર ગામોમાં અા દીતવારનો ઉત્સવ વર્ષોથી ઉજવાય છે. વૈશાખમાં લગ્ન કરી સાસરે ગયેલી તમામ દીકરીઅો દીતવાર મનાવવા અચુક માવતરના ગામે અાવે છે. માત્ર ગામની પરીણિત કે કુંવારી દીકરીઅોને જ અા ઉત્સવમાં ભાગ લેવા મળે છે.સવારના ટાઢા પહોરમાં અા બધી દીકરીઅો ગામથી દૂર અાવેલી અેકાદ વાડીઅે પહોંચે છે. જયાં પ્રથમ તો બધા ન્હાય છે અને પછી વડ કે, પીપળાના ઝાડ નીચે હિંચકામાં ઝુલવાનો અાનંદ લે છે. વાડીમાં ચિભડાં, કેરી કે અન્ય ફળફળાદી હોય તો તેનું વન ભોજન થાય છે.

દીતવારની અા ઉજવણીમાં ઇડો-ઇડીની રમત પણ રમાય છે. અા રમતમાં અેક છોકરી વર બને છે અને બીજી કન્યા બને છે. જેના રીતસરના લગ્ન લેવાય છે અને ફટાણાં સાથે છોકરીઅો ગીતો ગાય છે, જેમાં શૃંગાર રસનું પ્રાધાન્ય જોવા મળે છે. ઉત્સવના સ્થળે ઉંમરલાયક છોકરાઅોને પ્રવેશ અપાતો નથી, વાડી માલિકને પણ અળગા રખાય છે.વાડીની બાજુમાં જ નદીનું રેતાળ પટ હોય તો ત્યાં અન્ય રમતોનું અાયોજન પણ કરવામાં અાવે છે. પ્રકૃતિના ખોળે અાખો દિવસ ધીંગા મસ્તી અને અાનંદ-પ્રમોદ પછી સાંજે ગોધૂલી સમયે પાછી ફરતી અા દીકરીઅો માટે અા તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે અને દરેક યુવતી તેને પોતાના જીવનનો અનન્ય લ્હાવો માને છે.

જાતીય શિક્ષણ સાથે થતી અલક-મલકની વાતો
દીતવારની ઉજવણીમાં ઉંમર પ્રમાણે યુવતીઅોના ગ્રૂપ બને છે અને અલક-મલકની વાતો સાથે તાજેતરમાં પરણેલી યુવતીઅો તેમના લગ્નજીવનના અનુભવો પણ અેકબીજા સાથે શેર કરે છે. જાતીય શિક્ષણ જેવા મહત્વના વિષયને અહીં ઉત્સવના માધ્યમ દ્વારા કેટલો સુંદર રીતે સાંકળી લેવામાં અાવ્યો છે.

ઉર્દુ શબ્દ દીતવાર અેટલે રવિવાર
દીતવાર અેટલે કે, રવિવાર અા શબ્દ ઉર્દુ છે. પાટીદારો કચ્છમાં 500 વર્ષ પહેલા અાવ્યા તે અગાઉ છેક બલુચિસ્તાન અને સિંધ થઇ અાવેલા અેટલે અા શબ્દ ત્યાંથી અાવ્યો હોવાનું કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના અભ્યાસુ અને લેખક, કવિ રતિલાલ મનજી પટેલનું કહેવું છે.

જિલ્લા બહાર વસતા કચ્છીઅો ઉજવે છે તહેવાર
કચ્છના પાટીદાર ગામો સિવાય ભારતભરમાં જયાં-જયાં અા જ્ઞાતિની મોટી વસતી છે તેવા નાગપુર, રાયપુર, બેંગ્લોર સહિતના સ્થળોઅે પણ અા તહેવાર ઉજવાય છે પણ ત્યાં વાડીઅોના બદલે સમાજવાડીઅોમાં ઉજવાય છે.

અન્ય સમાચારો પણ છે...