મોડી રાત સુધી બેલેટ પેપરની ગણતરી:નખત્રાણાની 51 પંચાયતના પરિણામોમાં ધીમી ગતિએ ગણતરી

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી મોટી નખત્રાણા ગ્રામ પંચાયતમાં હજુ પણ ઉત્કંઠા

નખત્રાણા ખાતે કુમારી ટી.ડી વેલાણી ગર્લ્સ હાઇસ્કુલમા તાલુકાની 51 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મત ગણતરીનો સવારે 9:30 કલાકે આરંભ કરાયો હતો જેમાં એક રાઉન્ડ પૂર્ણ કરતા ત્રણ કલાક જેટલો સમય લાગી જતાં પરિણામ જાણવા માટે આવેલા લોકોની ઉત્કંઠા વધી ગઈ હતી. કુલ્લ 9 રાઉન્ડમાં મત ગણના કરવાની હોતાં મંગળવારની રાતભર તંત્ર તેમાં રોકાયેલું રહ્યું હતું. અમુક ગામોના પરિણામો બહુ વિલંબથી જાહેર કરાયા હતા.

શાળા પરિસરની બહાર તાલુકાભરમાંથી હજારોની સંખ્યામાં મેદની એકઠી થઈ હતી. પરિણામો જાહેર થવાના હોવાથી વથાણ ચોકથી બસ સ્ટેશન સુધી વાહનોના થપ્પા લાગતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ હતી. પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, ડીવાયએસપી વી. એન. યાદવ, પીઆઇ ચૌધરી, મામલતદાર દરજી, તાલુકા વિકાસ અધિકારી જોશી સહિતનો સ્ટાફ સતત મોનિટરિંગમાં જોડાયો હતો. મત ગણતરી 9 રાઉન્ડમાં વહેંચાઇ હતી જેમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં ત્રણ કલાક જેવો સમય લાગી જતાં મોડી રાત્રિ સુધી મત ગણના ચાલુ રહી હતી. રાત્રે આઠ વાગ્યા સુધી છઠ્ઠો રાઉન્ડ ચાલુ હતો જેના કારણે પરિણામ જાણવા માટે તાલુકાભરમાંથી લોકોએ મીડિયા કર્મીઓ તેમજ તંત્ર પર મોબાઇલ ફોનનો મારો ચલાવ્યો હતો. તંત્ર પણ આંકડા આપવામાં વામણું પુરવાર થયું હતું જેના કારણે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી.

તાલુકાના આણંદસર, ઐયર, ચાવડકા, આમારા, ભડલી વગેરે વિસ્તારના સરપંચોના પરિણામો બહુ જ વિલંબથી જાણવા મળ્યા હતા. સભ્યોનાં નામો જાણવા પણ લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી હતી. મોડી રાત્રિ સુધી નેત્રા અને નિરોણા જેવા મોટા ગામોમાં સરપંચ પદે કોણે મેદાન માર્યું તેની જાણકારી મળી શકી ન હતી. વથાણથી બસ સ્ટેશન સુધી ભીડ રહેતાં ટ્રક અને કારનો અકસ્માત થયો હતો અને એસટી બસ પણ ભટકાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

રવાપર રૂપારેલ પરિવારનો ગઢ
માતાનામઢ નજીક અાવેલા નખત્રાણા તાલુકાના અંતિમ ગામ રવાપરમાં છેલ્લા 40 વર્ષથી રૂપારેલ પરિવારનું શાસન છે. સતત 35 વર્ષ સુધી દિનકર દામજી રૂપારેલ સરપંચ રહ્યા હતા. વચ્ચે માત્ર અેક વાર પિંજારા (મુસ્લિમ) સરપંચ બન્યા પછી પુન: રૂપારેલ પરિવારના સદસ્યો સત્તા પર છે. અાજે પણ સરપંચ પદે પરેશ વિશનજી રૂપારેલ ત્રિપાંખિયા જંગમાં 221 મતોથી વિજયી બન્યા છે.

ત્રણ જગ્યાએ ટાઇ થતા ચિઠ્ઠી ઉછાળાઇ
​​​​​​​આમારા ગામે વોર્ડ નંબર-6માં અલ્પાબેન લાલજી નાકરાણી અને જયશ્રીબેન જાદવજી વચ્ચે ટાઇ થતા ચિઠ્ઠી ઉછાળીને અલ્પાબેનને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે લક્ષ્મીપર(તરા)માં પણ વોર્ડ નંબર-3માં ચિઠ્ઠી ઉછાળતા હિરેન નાકરાણી, નવાવાસ ગ્રા. પંચાયત વોર્ડ નંબર-3માં જીલુભા ચિનુભા જાડેજાને વિજેતા ઘોષિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...