જગન્નાથપુરીની ઐતિહાસિક રથયાત્રામાં વપરાયેલ રથનું પૈડું નખત્રાણા તાલુકાના વિથોણમાં આવેલા સંત ખેતાબાપા સંકુલની શોભા વધારશે. ઓરિસ્સાના બલાંગીર રહેતા મૂળ વિથોણના પદમાણી પરિવારે આ માટે અનોખી પહેલ કરી છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં દર વર્ષે અષાઢી બીજના નીકળતી ભગવાન જગન્નાથજીની વિરાટ રથયાત્રાનું અનન્ય મહાત્મ્ય છે. લાખો શ્રદ્ધાળુ ભકતો આ યાત્રા નિહાળવા અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટતા હોય છે.
રથયાત્રામાં લાકડાનો જે રથ વાપરવામાં આવે છે તે દર વર્ષે નવો બનાવવામાં આવે છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ રથના પૈડાં મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર ચડાખડીથી ભકતોને પ્રસાદરૂપે વિતરીત કરવામાં આવે છે. પૈડાનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે અને આ ચક્ર ખરીદનારા લોકો પોતાને ભાગ્યશાળી માને છે. રથયાત્રા પૂર્વે જ મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. કુલ 16 ચક્ર જાહેર ચડાખડીથી આપવામાં આવે છે. આ વર્ષે આવું એક ચક્ર લેવાનો લ્હાવો મૂળ વિથોણના હાલે બલાંગીર રહેતા ધનજીભાઈ કેશરાભાઈ પદમાણી પરિવારને મળ્યો છે.
સાત ફુટ ઊંચું લાકડાનું આ ચક્ર ભવ્ય અને મનમોહક છે. દેવજીભાઈના જણાવ્યા મુજબ તેમના પરિવારની ઘણા વર્ષોની ઈચ્છા હતી અને ભગવાન જગન્નાથજીની કૃપાથી આ વર્ષે પૂર્ણ થઈ તેનો આનંદ છે. આ ઐતિહાસિક ચક્ર કચ્છમાં પોતાના વતન વિથોણમાં આવેલા સંત ખેતાબાપા સંકુલમાં રાખવાની નેમ છે.ખેતાબાપા સંસ્થાનના સંચાલકો સાથે સ્થાનિકે ચર્ચા વિચારણા કર્યા બાદ રથનું પૈડું સંકુલમાં ક્યાં મૂકવું તે અંગે નિર્ણય કરવામાં આવશે. હાલમાં તો બલાંગીર ખાતેના તેમના નિવાસસ્થાને આ ચક્ર રખાયું છે, જેના દર્શન માટે સ્થાનિક લોકો ઉમટી રહ્યા છે.
રથયાત્રાના દિવસે અષાઢી બીજે કચ્છમાં નૂતન વર્ષ ઉજવાય છે
ઓરિસ્સાના જગન્નાથપુરીમાં દર વર્ષે અષાઢી બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તે દિવસે યોગાનુયોગ કચ્છમાં નૂતન વર્ષ પણ ઉજવાય છે. મૂળ વિથોણનો પરિવાર પૈડું આપશે તે રથની યાત્રા કચ્છી નવા વર્ષે અષાઢ મહિનાની બીજે નીકળી હતી. આમ ખેતા બાપા સ્થાનકની શોભા વધારનારી આ અમૂલ્ય ભેટનું મહત્વ ઓર વધી જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.