છાત્રોને પદયાત્રા:એસટી બસો માતાનામઢ માટે ફાળવી દેવાતા નખત્રાણાના ગ્રામીણ વિદ્યાર્થીઓ રઝળી પડયા

નખત્રાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ એસટીના અવિચારી વલણથી વિદ્યાર્થીઓને પદયાત્રા કરવાની નોબત આવી હતી.નખત્રાણા એસટી ડેપોની લોકલ બસોને માતા ના મઢ રૂટ માટે ડાયવર્ટ કરી દેવાતા વિદ્યાર્થીઓ રઝળી પડયા હતા.જેથી એકપણ બસ ન હોવાથી 8 થી 10 કિલોમીટર સુધી પદયાત્રા કરીને વિદ્યાર્થીનીઓને ઘરે જવાનો વારો આવ્યો હતો.

આસો નવરાત્રિ નિમિત્તે માતાના મઢ જતા પદયાત્રીનો પ્રવાહ વધતા એસટી દ્વારા માઇભક્તો માટે 80 બસો ફાળવવામાં આવી છે.જેમાં કચ્છમાંથી 60 તેમજ અન્ય જિલ્લાની 20 બસોને એક્સ્ટ્રા બસો તરીકે દોડાવવામાં આવી રહી છે.પ્રવાસી બસો પૈકી મોટાભાગની બસો નખત્રાણા ડેપોમાંથી ફાળવવામાં આવી છે જેના કારણે લોકલ અને વિદ્યાર્થી રૂટ કેન્સલ કરવામાં આવતા શાળાએ જતા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા.બસ કેન્સલ થઈ જતા તાલુકાના ઉખેડા વિસ્તારના વિદ્યાર્થીઓને ભારે હાલાકી સહન કરવી પડી હતી અને અમુક લોકોને અન્ય વાહનો પણ ન મળતા પગે ચાલીને ઘરે જવું પડ્યું હતું.શાળાએ જતી દીકરીઓને 8 થી 10 કિલોમીટર સુધી પગે ચાલીને ઘરે જવું પડ્યું હતું.એકતરફ શિક્ષણની વાતો વચ્ચે આડેધડ રીતે બસો કેન્સલ કરી દેવાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આ અંગે નખત્રાણા એસટી ડેપો મેનેજર એચ.આર. સામરાને પૂછતા તેઓએ કહ્યું કે,હાલ માઈભક્તોનો પ્રવાહ વધુ હોવાથી અમુક રૂટની બસો કેન્સલ કરવાની નોબત આવી છે.હાલ નખત્રાણા વિભાગના 50 ટકા રૂટને કેન્સલ કરવા પડ્યા છે.વિદ્યાર્થી રૂટની બસો માટે આ વિસ્તારની શાળાઓમાં પણ વ્યવસ્થા કરવા જાણ કરાઈ હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...