ખળભળાટ:મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ખંડણી બાદ કચ્છી પાટીદાર વેપારીની કચ્છી દ્વારા જ કરાઇ હત્યા

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીપક પોકાર, મૃતક - Divya Bhaskar
દીપક પોકાર, મૃતક
  • મુખ્ય સૂત્રધાર તરીકે કચ્છી પાટીદાર શખ્સનું નામ ખુલતાં સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ
  • પોલીસને કર્ણાટક બોર્ડર પાસે હત્યા કરી, દાટી દીધેલી હાલતમાં લાશ મળી,આરોપીઓની ધરપકડ

મહારાષ્ટ્રના કોલ્હાપુર વિસ્તારમાં 14 લાખની ખંડણી માટે 18 દિવસ પહેલાં અપહરણ કરાયેલા કચ્છી પાટીદાર દીપક પોકારનું અપહરણકર્તાઓએ ખૂન કરી નાખતાં સનસનાટી મચી ગઇ છે. અપહરણ અને હત્યામાં સંડોવાયેલા એક કચ્છી પાટીદાર સહિત ચાર આરોપીની પોલીસે ગઇકાલે ધરપકડ કરી લીધી છે.

પચાણ પોકાર: આરોપી
પચાણ પોકાર: આરોપી

કચ્છમાં ઘડાણીના અને કોલ્હાપુર જિલ્લાના હાથકણંગલેમાં શંકર વિજય સો મીલ ધરાવતા હિરાલાલ લખમશી પોકારના મોટા પુત્ર દીપકને અપહરણકર્તાઓએ 23 માર્ચ તેમની સો મીલના દરવાજા પાસેથી જ અપહરણ કર્યું હતું અને બીજા દિવસે નાના ભાઇ રાહુલને ફોન કરી 15 લાખની ખંડણી માંગતાં દીપકનું અપહરણ થયાની જાણ થઇ હતી.અપહરણ બાદ સતત બે દિવસ સુધી રકમ પહોંચાડવા માટે અપહરણકર્તાઓએ દીપકના મોબાઇલમાંથી જ રાહુલને ફોન કર્યા હતા પણ સ્થાનિક અખબારોમાં આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ અપહરણકર્તાઓએ વાર્તાલાપ બંધ કરી દીધો હતો.

પોલીસની સ્થાનિક ગુન્હા શોધક શાખાએ રાખેલ વોચમાં ગઇકાલે ચારેય અપહરણકર્તા ઝડપાઇ ગયા હતા અને અહીંથી 55 કિ.મી. દૂર કર્ણાટક સરહદે આવેલ રાધાનગરીના જંગલમાં હત્યા કરી દાટી દીધેલી દીપકની લાશ અંગે પણ જાણકારી આપતાં પોલીસે વિકૃત થઇ ગયેલ લાશ કબજે કરી હતી. અપહરણ અને હત્યાના આ ગુનામાં પોલીસે જે ચાર ઇસમની ધરપકડ કરી છે. તેમાં મુખ્ય સૂત્રધાર તરીકે કચ્છી પાટીદાર પચાણ..વાલજી પોકાર(ઉ.વ.50) કચ્છમાં કાદિયા મોટાનું નામ ખુલતાં સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે.

પોસ્ટમોર્ટમ બાદ મૃતકની લાશ આજે પરિવારજનોને સુપ્રત થયા બાદ તેની સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં કોલ્હાપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કચ્છી પાટીદારો ઉમટી પડ્યા હતા.દરમિયાન કોલ્હાપુર પાટીદાર સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી આ હત્યાકાંડની તલસ્પર્શી તપાસ કરવા અને સંડોવાયેલા ઇસમો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કચ્છના કડવા પાટીદાર સમુદાયમાં આવા વધતા જતા કિસ્સાને લઇ સમગ્ર સમાજમાં ચર્ચા જાગી છે. થોડા મહિના અગાઉ પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં એક જ પરિવારના ચાર સભ્યોની સગા ભત્રીજાએ કરેલી ક્રુર હત્યાનો કિસ્સો હજુ તાજો જ છે.

મુખ્ય સુત્રધાર કચ્છી સામે હત્યા સહિતના 9 ગુના નોંધાયેલા
ચોંકાવનારી વાત એ છે કે સુત્રધાર તરીકે આવેલો પચાણ પોકાર કુખ્યાત શખ્સ છે. તેની સામે હત્યા સહિતના 9 ગુના નોંધાયેલા છે. જેમાં ગોવાના પ્રવાસ દરમિયાન ટેક્ષી ચાલકની હત્યા કરી તેની ગાડી લઇ જવાના કિસ્સાએ ચકચાર જગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...