હાલાકી:નખત્રાણાના 100 જેટલા ગામમાં નર્મદા નીરના અનિયમિત વિતરણથી હાલાકી

નખત્રાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવા કોંગ્રેસની ચીમકી

નખત્રાણા તાલુકાના 100 જેટલા ગામો તેમજ અબડાસા અને લખપતના અમુક વિસ્તારમા છેલ્લા ચાર-પાંચ દિવસથી નર્મદાના પાણીનું અનિયમિત વિતરણ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેવી રજૂઆત તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ વિપક્ષી નેતાએ નર્મદા નિગમ તેમજ પાણી પુરવઠા વિભાગ સમક્ષ કરી છે. આ મુદ્દે તાકીદે પગલાં નહી ભરાય તો લોકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે જવા ચીમકી પણ રજૂઆતમાં આપવામા આવી હતી.

નખત્રાણા તાલુકાો પીવાના પાણી માટે નર્મદા પર નિર્ભર હોઇ તેના અનિયમિત વિતરણથી હાલાકી સર્જાઇ રહી છે. કુકમા પાસે નર્મદાની લાઈન લિકેજ થતા તંત્ર દ્વારા પ્રથમ ૨૪ કલાકમાં મરમ્મત થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી તેમ છતાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ બંધ હતું. ગુરુવારથી પાણી આપવાનું શરૂ કરાયું છે તે પણ અનિયમિત હોતા લોકોની સાથે પશુધન પણ મુશ્કેલીમાં મુકાયું છે. પાણીના અવાડા ખાલી જોવા મળે છે. આ અંગે અંજારની કચેરી ખાતે અધિકારીઓનો સંપર્ક કરતા પાણી ચાલુ છે તેવું જણાવાય છે તેવો આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલે કર્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી માટે પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર ગંભીર બની તપાસ હાથ ધરે તેમજ પાણીનું નિયમિત વિતરણ કરાય તેવી માંગ તેમણે કરી હતી.

સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રથમ સરહદી ગામો ને પાણી આપવામાં આવે તેવું પ્રાધાન્ય છે તેમ છતાં તંત્ર દ્વારા પ્રથમ ડાકડાઇ, મંગવાણા, નખત્રાણા અને બાદમાં ખીરસરાને પાણી આપવામાં આવે છે જેના બદલે પ્રથમ ખીરસરાને પાણી મળે તો લખપત અને અબડાસા સહિત નખત્રાણાના ગામોની સમસ્યા હલ થઇ શકે તેમ તેમણે ઉમેર્યું હતું. આવનારા દિવસોમાં પાણી પ્રશ્ને યોગ્ય નિકાલ નહીં થાય તો લોકોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવાશે તેવી ચીમકી તેમણે સંબંધિત અધિકારીઓ સમક્ષ કરેલી રજૂઆતમાં ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...