તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામ્ય વિસ્તારો ધમધમ્યા:નખત્રાણા પંથકમા પાટીદાર સમાજના ગામોમાં તહેવારોની રોનક આવી

નાના અંગિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ઉજવણી માટે માદરે વતન આવતાં ગ્રામ્ય વિસ્તારો ધમધમ્યા

સાતમ આઠમની ઉજવણી માટે પાટીદારો માદરે વતન આવતાં નખત્રાણા તાલુકાના ગામોમાં ભારે ચહલ પહલ સાથે રોનક આવી ગઇ છે. કોરોનાને કારણે અગાઉના વર્ષો કરતાં મર્યાદિત સંખ્યામાં લોકો આવ્યા છે, આમ છતાં પાટીદારોની મોટી વસતી ધરાવતા ગામોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.

દેશદેશાવરમાં ધંધાર્થે રહેતા પાટીદારોનું નખત્રાણા પંથક અને સરહદી લખપત તાલુકાના ગામડાઓમાં તહેવારો ટાંકણે આગમન થતા ગ્રામ્ય વિસ્તારો ધબકવા લાગ્યા છે. આ અંગે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પશ્ચિમ કચ્છ ઝોન ના મંત્રી નરશી શામજી પોકારે જણાવ્યું હતું કે, પાંચેક દાયકાથી પૂર્વ તેમજ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યો તેમજ ગુજરાતના પણ લગભગ તમામ મોટા શહેરોમાં લાકડા, બેન્સા, હાર્ડવેર જેવા ધંધામાં ઝંપલાવીને કચ્છના પાટીદારોએ કાઠું કાઢ્યું છે.

કલકત્તા, તમિલનાડુ, બેંગલોર, કર્ણાટક, રાયપુર, મહારાષ્ટ્ર, મુંબઈ, અમદાવાદ, છત્તીસગઢ જેવા વિસ્તારોમાં ધંધાર્થે સ્થાયી થયેલા પાટીદારો દર વર્ષે ખાસ કરીને સાતમ - આઠમના તહેવારો દરમિયાન પોતાના માદરે વતન અચૂક આવે છે. દર ત્રણ વર્ષે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કે સામાજિક બેઠકોમાં હાજરી આપે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કોઈ મોટા કાર્યક્રમોનું આયોજન થઇ ન શકવાના કારણે આવવાનું ટાળ્યું હતું. આ વખતે પણ સરકારી ગાઇડ લાઇન મુજબ તહેવારો ની ઉજવણી સાદગી કરવામાં આવનાર હોવાથી મર્યાદિત સંખ્યામાં લોકો કચ્છ આવ્યા છે.

વિથોણના દિનેશ રૂડાણીએ એ કહ્યું હતું કે, આ વખતે સાતમ-આઠમના તહેવારોની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવશે. તેમજ મંદિરે મર્યાદિત લોકો ની હાજરી રાખવામાં આવશે પણ લોકો ઘેર બેઠા પ્રસારણ જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તે માટે લોકલ કેબલ મારફતે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ઘડુલી, વિરાણી, સિયોત, રવાપર, વાલકા, અમારા, ઐયર, નેત્રા, રસલીયા, નાના-મોટા કાદિયા, ટોડિયા, ખોભડી, મથલ , વિગોડી, ઉગેડી, કોટડા, જડોદર, વિરાણી મોટી, નખત્રાણા, નાગલપર, નાના અંગિયા , સાંગનારા, ધાવડા, દેવપર, વિથોણ, ભડલી, થરાવડા, રામપર રોહા, જીયાપર, માધાપર, સુખપર, મંગવાણા, વેરસલપર, કોટડા, નારણપર, વડવા કાયા, વિભાપર જેવા વિવિધ ગામોમાં પાટીદારોની નોંધપાત્ર વસતી છે.

બજાર ધબકતાં નાના-મોટા વેપારીઓને ફાયદો થશે
સાતમ-આઠમના તહેવારો નિમિત્તે વડીલો શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ માદરે વતન આવી જતા હોય છે. જ્યારે યુવા વર્ગ પર્વના એક અઠવાડિયા પહેલા આવે છે અને સાતમ - આઠમ પછી પણ એકાદ અઠવાડિયું રોકાતા હોવાથી ધંધા વ્યવસાય માં પણ રોનક આવી જતી હોય છે. ગામડાઓમાં તેમજ તાલુકા મથકે ખાસ કરીને સોના - ચાંદી, ઇમિટેશન, જ્વેલરી, કાપડ, બ્યુટી પાર્લર તેમજ ખાણી પીણીના સ્થળોએ રોનક આવવાથી વેપારીઓને પણ સારા પ્રમાણમાં ફાયદો થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...