તાલુકાની મથલ પ્રાથમિક શાળામાં સરપંચ, ઉપસરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ વાલી રેડ કરી હતી.જેમાં શાળામાં 12 શિક્ષકો પૈકી માત્ર 2 જ હાજર જોવા મળ્યા હતા.આ મુદ્દે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરાતા તેના પડઘા પડયા છે.તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા અનેક ચોંકાવનારી માહિતી ખુલી છે.જેનો રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીને સોંપવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ,આચાર્ય ઘનશ્યામભાઈ શાળાએ ગયા ન હોવા છતાં ઓનલાઈન હાજરી બતાવાઈ હતી.આચાર્યએ તેમના નિવેદનમાં જણાવ્યું કે,પગારબીલ અને PSE પરીક્ષાના ફોર્મ જમા કરાવવા માટે શિક્ષકો તાલુકામાં ગયા હતા જે બાબત ખોટી છે. તેઓને તાલુકામાં બોલાવાયા નથી અને આવ્યા પણ નથી શિક્ષક ડેનીશભાઈ ગોઠીએ સી.પી.યુ. લેવા નખત્રાણા આવ્યા હોવાનું જણાવ્યું હતું.
એક એક કામ લઈને બે શિક્ષકો નખત્રાણા ન આવે પરંતુ એક જ શિક્ષક બધા કામ સાથે કરીને જાય તે જરૂરી છે.આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ શાળાએ ગયા ન હોવા છતાં ઓન લાઈન હાજરીમાં ખોટી હાજરી ભરી હતી.જેથી સ્ટાફની અનિયમિતતા અને ખોટી હાજરી બાબતે કાર્યવાહી માટે જાણ કરાઈ છે.
અપડાઉન કરતા શિક્ષકોએ પગારબિલમાં ખોટી માહિતી આપી દગો કર્યો
ગામલોકોના જણાવ્યા મુજબ,શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ગામમાં રહેતા નથી.બહારગામથી અપ-ડાઉન કરે છે.જે અંગે તંત્રએ ખરાઈ કરતા શાળાના ત્રણ શિક્ષકો ઘનશ્યામભાઈ પટેલ,રવિન્દ્રકુમાર પટેલ અને ડેનિશ અરવિંદભાઈ ગોઠી ગામમાં રહેતા ન હોય અને કોટડાથી અપ ડાઉન કરતા હોવાનું ધ્યાને આવ્યું છે તેમ છતાં પગારબીલમાં મુખ્ય શિક્ષક દ્વારા તમામ શિક્ષકો ગામમાં રહેતા હોવાનું ખોટું પ્રમાણપત્ર આપી એચ.આર.એ. અંકારતા હોવાનું ખુલ્યુ છે.
બેદરકાર આચાર્ય તાલુકા શિક્ષક સમાજના મંત્રી
શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ નખત્રાણા તાલુકા શિક્ષક સમાજના મંત્રી તરીકેનો હોદ્દો ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
પંથકમાં ‘ઘેર’હાજર શિક્ષકોમાં સોંપો પડી ગયો
ઓનલાઇન શીક્ષણમાં ઘણા માસ્તરોને જલસા થઈ ગયા છે વિદ્યાથીઓ આવતા ન હોવાથી તેઓ પણ શાળાએ જતા નથી અને મિલીભગતથી હાજરી પુરી નાખે છે પણ મથલમાં રેડ પડતા પંથકની અન્ય શાળાઓના ઘેરહાજર રહેતા શિક્ષકો શાળાએ પહોંચી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.