બેઠક:ખાનગી કંપનીઓને કેટલું પોલીસ રક્ષણ મળ્યું ? નખત્રાણા તા.પં.ના પ્રમુખને માહિતી ન અપાઈ

નખત્રાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલનની બેઠકમાં ફરી તંત્રની બેજવાબદારીનો મુદ્દો છવાયો પણ અપાયું માત્ર આશ્વાસન
  • પ્રાંત અધિકારી સૂચના આપે છે,પણ અધિકારીઓ ગણકારતા જ નથી

અહીં યોજાયેલી સંકલનની બેઠકમાં વધુ એકવાર સ્થાનિક અધિકારીઓ લોકોના પ્રશ્નને દાદ ન આપતા હોવાનું જણાઇ આવ્યું છે જેથી ભારે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે ખુદ તાલુકા પંચાયતના પ્રમુખને જ જો વિગતો ન અપાતી હોય તો લોકો સાથે કેવો વર્તાવ થતો હશે તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર મેહુલ બરાસરાના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલનની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઇ પટેલ દ્વારા ખાનગી કંપનીઓને કેટલું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ? તેની માહિતી મંગાઈ હતી પણ પોલીસ દ્વારા ખુદ તાલુકા પંચાયતના પ્રમુખને વિગતો ન અપાઈ હતી. પ્રમુખે કહ્યું કે,નખત્રાણાના સર્વિસ રોડની સફાઈ કરવામાં આવી નથી તેમજ રેતી પણ ઉપાડાઈ નથી.અવારનવાર ટોલકંપની વાળા મિટિંગમાં ગેરહાજર રહે છે.

પ્રાંત કચેરી દ્વારા અપાતી સુચનાને પણ ટોલટેક્સ કંપનીના અધિકારી ઘોળીને પી જતા હોય તેવું જણાઈ આવે છે તો યક્ષ પાસેના બ્રિજમાં તાત્કાલિક રીપેરીંગ કામ કરવાની પણ માગણી કરાઇ હતી. એટીવીટીના સભ્ય દિલીપભાઈ પટેલે મનરેગાના, રોડ રસ્તાના કેટલા કામો થયા તેની વિગતો માંગી હતી.ગટર અને પાણીની પાઇપલાઇનમાં વપરાતી પાઇપની ગુણવતાની ખરાઈ કરવા પણ કહેવાયું હતું. આ બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,એટીવીટીના સભ્ય રવિ ગરવા, ડાયાલાલ પટેલ, તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર તેમજ તાલુકાના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...