સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નખત્રાણાને સ્વચ્છ બનાવવા માટે ગ્રામપંચાયત દ્વારા મહા સફાઈ ઝુંબેશનો આરંભ કરાયો છે.
નખત્રાણામાં અગાઉ માત્ર જાહેર માર્ગો પર સફાઇ થતી હતી પરંતુ ગામના વિવિધ વિસ્તારો અને વોર્ડમાં ગંદકી અને સફાઈનો અભાવ જોવા મળતો હતો પરંતુ હવે સરપંચ રિદ્ધિબેન વાઘેલાની આગેવાની હેઠળ સમગ્ર નખત્રાણાને સ્વચ્છ રાખવા માત્ર જાહેર માર્ગ ઉપર નહીં પણ વિવિધ વોર્ડ, શેરીઅો પણ સ્વચ્છ રાખવા પંચાયતે કામદારો અને જે-તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી દર રવિવારે વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે.
રવિવારે આંબેડકર વિસ્તારથી ગ્રામપંચાયત સુધીના માર્ગ ઉપરથી સફાઈ અભિયાનનો આરંભ કરાયો હતો. લોકોને કચરો નાખવા ડસ્ટબિનનો ઉપયોગ કરવા, કચરો ઉપાડવા આવતા ટ્રેક્ટરમાં જ કચરો નાખવા જણાવાયું હતું. દર રવિવારે વોર્ડવાર સફાઇ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં સ્થાનિક લોકોને પણ જોડાવવા અપીલ કરાઈ છે. સફાઈ અભિયાનમાં તલાટી રમેશ માળી, ગ્રામપંચાયતના સદસ્યો હંસાબેન સોની, જાગૃતિબેન ઠક્કર, પ્રેમીલાબેન ચાવડા, ચંદ્રિકાબેન પટેલ, સોકતઅલી ખત્રી, ચિમન પુરાણિયા, મુબારક કુંભાર, જિગ્નેશ ગોસ્વામી, ચાંદ સખી મંડળના અક્ષાબેન, મંજુલાબેન સીજુ, મયૂર વાઘેલા વગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.