સમૂહ લગ્નોમાં દેખાઇ મોટી ઓટ:સગપણની વિકટ બનતી સમસ્યા થકી કચ્છમાં બે વર્ષ પછી લગ્નોનો રાફડો ફાટવાની ધારણા ખોટી નીવડી

નખત્રાણાએક મહિનો પહેલાલેખક: સી.કે. પટેલ
  • કૉપી લિંક
  • વણજોયું મુહૂર્ત લેખાતા અખાત્રીજે કચ્છમાં ઓછા લગ્ન-સગપણ પર વિશેષ અહેવાલ
  • વૈશાખમાં કડવા પાટીદારોના સમૂહ લગ્નોમાં દેખાઇ મોટી ઓટ: પાત્ર પસંદગીમાં વિચારસરણીમાં આવેલા ફેરફારોની વર્તાતી અસર

લગ્ન માટે વણજોયું મૂહુર્ત ગણાતા અખાત્રીજના દિવસે લગ્નના ઢોલ અને શરણાઇની ગૂંજ શરૂ થઇ ગઇ છે પણ સગપણની વિકટ સમસ્યાને લઇ ધારણા મુજબ લગ્નસરાની સીઝન ન નીકળતા આશ્ચર્ય સર્જાયું છે ! બે વર્ષ કોરોનાની કડક ગાઇડલાઇનને કારણે મુલત્વી રહેલા લગ્નોનો આ વખતે રાફડો ફાટશે તેવી જે આશા હતી તે ઠગારી નીવડી છે. કચ્છમાં વૈશાખ મહિનામાં અખાત્રીજના કડવા પાટીદારોમાં મોટાપાયે સમૂહલગ્નનું આયોજન થાય છે પણ આ વખતે તેમાં ભાગ લેનારા નવયુગલોની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળે છે. 10 ગામોમાં માત્ર 91 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડવા જઇ રહ્યા છે. જે અગાઉની સંખ્યા કરતાં ઘણા ઓછા છે.

કચ્છના ગામડાઓમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ નથી એવું પણ નથી. 25 થી 30 વર્ષના લગ્ન માટેની પુખ્ત ઉમરના ઘણા મુરતીયા અને કન્યાઓ દરેક સમાજમાં છે પણ છોકરા-છોકરીની પાત્ર પસંદ કરવાની વિચારસરણીમાં આવેલા બદલાવ કે પછી વધારે પડતી અપેક્ષાઓને કારણે વેવિશાળ થતા નથી તેવું તારણ કેટલાક સામાજીક મોવડીઓએ દર્શાવ્યું છે. કચ્છના પાટીદાર સમાજમાં જ આ સગપણ સમસ્યા છે એવું નથી. બીજી અનેક જ્ઞાતિમાં ઉમરલાયક યુવક-યુવતિના માતા-પિતા પોતાના સંતાનોનું વેવિશાળ યોગ્ય અને આદર્શ ઉંમરે થઇ જાય તેવા પ્રયત્નમાં સતત તણાવગ્રસ્ત જોવા મળે છે. ઘરમાં 25-30 વરસના દીકરા-દિકરી બેઠા હોય ત્યારે મા-બાપને રાત્રે ઉંઘ ન આવે તેવી કારી હાલત છે.

દરેક જ્ઞાતિ કે સમાજના વડીલો સગપણ સમસ્યાના ઉકેલ માટે પસંદગી મેળાનું આયોજન કરે છે પણ સમસ્યાનો વ્યાપ એટલો મોટો છે કે ક્યાંય નવડા મળે તેમ નથી ! સમાજના ધુરંધરો આ સમસ્યાના ઉકેલ માટે કઇ કરતા નથી તેવી ટીકાનો સામનો પણ દરેક સમાજમાં કરવો પડી રહ્યો છેે.

પસંદગીના ધોરણો થકી દિકરીઓ ઘરે બેઠેલી જોવા મળે છે
છોકરાની પસંદગીમાં દીકરી કે તેના માતા-પિતાનું વલણ સામાન્ય રીતે એવા છોકરા કુટુંબ તરફ હોય છે જેમાં છોકરો દેખાવડો હોય, નાનું કુટુંબ, સારી આવક અને સારું મકાન હોય. અને આ બધું પાછું શહેરમાં જોઇએ ! ગામડામાં ન ચાલે ! ગામડામાં બધી સુવિધાઓ હોય તો પણ દીકરીઓ જવા તૈયાર નથી. આ બધા કારણોસર ગામડા કે શહેરમાં લગ્નની એવરેજ વય કરતાં મોટી ઉંમરની દીકરીઓ ઘરે બેઠેલી જોવા મળે છે.

સગપણમાં સાટા પધ્ધતિ બને છે જોખમી
સગપણ સમસ્યાના ઉકેલ માટે સામ-સામે સગપણ કે સાટા પધ્ધતિની પ્રથા જોવા મળે છે. આ પ્રથામાં જે પરિવારમાંથી છોકરી લેવાની હોય તે ઘરમાં સામે છોકરી આપવી પડે. ભાઇના સગપણ માટે બહેનના સગપણ રોકી રાખવામાં આવતા હોવાના કે અપેક્ષા કરતાં નબળા પાત્ર સાથે નાછૂટકે સમાધાન કરી પરણાવી દેવાતા હોવાના કિસ્સા પણ જોવા મળે છે જે બાદમાં લગ્ન વિચ્છેદ માટે કારણભૂત બની રહ્યા છે.

કન્યાઓ બની રહી છે જાગૃત
અત્યાર સુધી આ સામ-સામે સગપણમાં વડીલોની વાત સંતાનો માનતા હતા પણ શિક્ષણને કારણે કન્યાઓ જાગૃત થઇ ગઇ છે અને પોતાની કારકિર્દી કે ભવિષ્ય જોખમમાં મૂકીને ભાઇ માટે ‘કુરબાન’ થવાની ઘણી દીકરીઓ વડીલોને સ્પષ્ટ ના પાડી દેતી હોઇ, સગપણ સમસ્યાને થોડીક હળવી કરતી આ પધ્ધતિ પણ નિષ્ફળ જઇ રહી છે. દરેક સમાજ માટે આ ચિંતાની વાત બની ગઇ છે.

તદ્દન નિર્વ્યસની જમાઇ શોધવો મુશ્કેલ
કોઇપણ જાતનું વ્યસન ન ધરાવતો હોય તેવો છોકરો શોધવામાં કન્યા પક્ષને આજકાલ નવ નેજે પાણી આવી જાય તેવી કપરી પરિસ્થિતિ છે. સારી છોકરી માટે વ્યસનમુક્ત મૂરતિઓ શોધવો અશક્ય નહીં તો પણ મુશ્કેલ કામ તો બની જ ગયું છે. લગભગ દરેક જ્ઞાતિને આ વ્યસનવાળી સમસ્યા સતાવી રહી છે.

ઉત્તમ ખેતી, મધ્યમ વેપારને નીચ નોકરી કહેવત ખોટી ઠરી રહી છે
સમાજમાં સગપણની વિકટ બની ગયેલ સમસ્યા માટે કેટલાક જ્ઞાતિ ચિંતકો દીકરી અને તેના માવતર પક્ષ ખાસ કરીને તેની માતાને વિશેષ જવાબદાર ઠેરવી રહ્યા છે. ખેતીવાડી ધરાવતા પરિવારો પણ તેમની દિકરી ખેતીવાળા ઘરમાં આપવાની ઓછી પસંદ કરે છે તે હકીકત જ ‘ઉત્તમ ખેતી, મધ્યમ વેપારને નીમ નોકરી’વાળી કહેવતને ખોટી ઠરાવી રહી છે !
આવી ‘હાલાકી’ પ્રકારની વિચારસરણીથી સગપણ સમસ્યા ઓર વકરી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...