કચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતેથી રવિવારે રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકોની હાજરીમાં માતાનામઢ થી સોમનાથ સુધીની 1800 કિ. મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે દીપપ્રાગટ્ય બાદ ઉપસ્થિત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણી, પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા, કચ્છ જિલ્લા અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા,વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ભરતસિંહ કાઠી સહિતના લોકોએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે, આજે ગુજરાત સ્થાપના દિવસે માતાના મઢ ખાતેથી માં આશાપુરાના દર્શન કરીને આ રથયાત્રા શરૂ કરવામાં આવી છે.
અત્યાર સુધીની સૌથી મોટી આ એકતા રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સામાજિક,રાજકીય અને શેક્ષણિક જાગૃતિ આવે તેમજ નાના-મોટા કુરિવાજો દૂર થાય અને સમાજની સંગઠન શક્તિ વધે અને દરેક ક્ષેત્રે સમાજની પ્રગતિ થાય તેવા હેતુ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો છે. ભુજ,ભચાઉ,રાપર,રાધનપુર,પાલનપુર,હિંમતનગર,અંબાજી,ગાંધીનગર, અમદાવાદ, વડોદરા,ધોલેરા,ભાવનગર, સુરેન્દ્રનગર,મૂળી,વાંકાનેર,મોરબી,રાજકોટ,ગોંડલ,જુનાગઢ,કેશોદ થઈને આ રથયાત્રા 16 દિવસ પછી સોમનાથ પહોંચશે.
માતાના મઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં અગ્રણી સાવજસિંહ જાડેજા,કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના મહિલા પ્રમુખ ચેતનાબા જાડેજા તેમજ માધુભા જાડેજા,જોરૂભા રાઠોડ,સ્થાનિક આગેવાનો જેતમાલજી જાડેજા,વેરસલજી તુંવર,સુરેન્દ્રસિંહ જાડેજા,મંગલજી સોઢા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નખત્રાણામાં એકતા રથયાત્રાનું સ્વાગત કરાયું
કચ્છ કરણી સેના દ્વારા આયોજિત એકતા રથયાત્રા નખત્રાણા ખાતે પહોંચતા રાજપૂત સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ,ગોસ્વામી સમાજ, રબારી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ તેમજ સર્વે સમાજના કાર્યકરોએ ઉપસ્થિત રહીને રથયાત્રાનું સ્વાગત કરી કાર્યકરોનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ચંદનસિંહ રાઠોડ,દિલીપ પટેલ, હરિસિંહ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.