વિકટ સમસ્યા:ડાડોર ગામ 10 દિવસથી પીવાના પાણી વિહોણું, મહિલાઓને દિવસભર રઝળપાટ કરવો પડે છે

નખત્રાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે પૈકીનો એક બોર બંધ પડી જતાં સર્જાઇ વિકટ સમસ્યા, પુરૂષો પણ કાવડથી પેયજળ ભરવા મજબૂર

નખત્રાણા તાલુકાના ડાડોર ગામમાં બે પૈકીનો એક બોર બંધ થઇ જતાં છેલ્લા 10 દિવસથી પાણીનું વિતરણ ન થતાં પેયજળ માટે મહિલાઓને રઝળપાટ કરવો પડે છે. સમસ્યા એટલી વિકટ બની છે કે, પુરૂષો પણ દૂર દૂર સુધી કાવડ લઈ પાણી ભરવા જાય છે. ગામને પેયજળ પૂરૂં પાડતો બોર બંધ થવાથી પેદા થયેલી હાલતનો સામનો કરવા મહિલાઓને ડેમ, તળાવ કે વીરડામાંથી પાણી ભરવું પડે છે. તળાવમાં જે પાણી પશુઓ પીવે છે તે જળ ગ્રામજનોને નાછૂટકે પીવું પડે છે. પૂર્વ ઉપ સરપંચ અયૂબ થેબાએ કહ્યું હતું કે, નર્મદાની તૂટેલી લાઇન પણ સાંધવામાં આવતી નથી.

આ અંગે સરપંચ જામીબેન આહિરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આઠ દિવસથી બોર અને મોટરમાં ક્ષતિ સર્જાઇ હતી તેમજ એક લાઇનમાં ફોલ્ટ થયો હતો. એબ બોર બંધ પડી ગયો છે જેના સ્થાને નવો બનાવવાની મંજૂરી મળી ગઇ છે. હાલે બે ટાંકા ભરાવીને પાણીનો પ્રશ્ન હલ કરી દેવાયો છે.પાણી પુરવઠા વિભાગના નાયબ ઇજનેર સંગ્રામ ઠાકોરે ભૂખી ડેમની મોટર બળી ગઇ હોવાનું કહેતાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું તે સાંધી લેવાયું છે તેમ જણાવ્યું હતું. તમામ કામો આટોપીને મંગળવારથી રાબેતા મુજબ પાણી પુરવઠો શરૂ કરી દેવાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...