તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકનો પ્રશ્ન શીરદર્દ બન્યો:નખત્રાણા બાયપાસનો મુદ્દો જ બાયપાસ

નખત્રાણા3 મહિનો પહેલાલેખક: લખન દેસાઇ
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશનથી વથાણ ચોક સુધી દરરોજ વાહનોના થપ્પા
  • રોડના ગોકળગતિઅે કામ વચ્ચે વન-વે ચાલુ કરાતાં લોકોને ગામમાં જવું મુશ્કેલ બન્યું
  • ટ્રાફિક નિવારવા બાયપાસ માર્ગની 30 વર્ષ જૂની માંગ અભેરાઇઅે ચડી ગઇ
  • ધારાસભ્ય જે પ્રશ્નો અાગળ ધરી ભાજપમાં જોડાયા તે પૈકી અેક પ્રશ્ન બાયપાસ માર્ગ

પશ્ચિમ કચ્છના બારડોલી સમા નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનો નિવેડો લાવવા માટે બાયપાસ રોડની 30 વર્ષ જૂની માંગણી અભેરાઇઅે ચડી ગઇ છે અને ખુદ ધારાસભ્ય જે પ્રશ્નના ઉકેલની ખાતરી મળ્યા બાદ ભાજપમાં જોડાયા હતા તે બાયપાસનો મુદ્દો જ હવે બાયપાસ થઇ ગયો છે. નખત્રાણામાં લાંબા સમયથી ટ્રાફિકનો પ્રશ્ન શીરદર્દ બની ગયો છે. ગામ વચ્ચેના માર્ગ પરથી દરરોજ પસાર થતા તોતિંગ વાહનોના કારણે અવાજ પ્રદુષણ પણ વધ્યું છે.

બાયપાસ માર્ગ તો જયારે બનશે ત્યારે પરંતુ હાલે જે ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ચાર માર્ગીય બનાવવામાં પણ તંત્રને જાણે રસ જ નથી. છેલ્લા 30 વર્ષથી બાયપાસ માર્ગ માટેની માંગણી છે તેમ છતા તેનો ઉકેલ નથી અાવ્યો. નખત્રાણા તાલુકાના જન પ્રતિનિધિઅો તાલુકા પંચાયતથી લઇને સંસદ ભવન સુધી પ્રતિનિધિત્વ કરે છે તેમ છતાં તેમનું ઉપલી કક્ષાઅે કાંઇ ઉપજતું જ ન હોય તેમ અા પ્રશ્ન હજુ ઉકેલાયો નથી.

નવાઇની વાત તો અે છે કે, અબડાસા મત વિસ્તારના જે પાંચ પ્રશ્નો ઉકેલાઇ જશે તેવી ખાત્રી મળતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે હાથનો સાથ છોડી ભાજપમાં જોડાયા તે પાંચ પ્રશ્નો પૈકી અેક પ્રશ્ન નખત્રાણા બાયપાસ માર્ગનો પણ હતો. જો કે પાંચ પૈકી નખત્રાણાના ત્રણ પ્રશ્નો જેમાં કોલેજને ગ્રાન્ટેડની માન્યતા અને અેપીઅેમસી તો મંજૂરી થઇ પરંતુ અતિ મહત્વનો બાયપાસ માર્ગનો પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે અને ધારાસભ્યનો બાયપાસ માર્ગનો મુદ્દો પણ હવે બાયપાસ થઇ ગયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

અાૈદ્યોગિક અેકમો, પવિત્ર યાત્રાધામો થકી સતત વાહનોની અવર-જવર
પશ્ચિમ કચ્છમાં પવિત્ર યાત્રાધામો માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, હાજીપીર વગેરે અાવેલા છે. તો વળી સાંઘી, અલ્ટ્રાટેક સહિત વિવિધ અાૈદ્યોગિક અેકમો તેમજ અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં મોટાપાયે પવનચક્કીઅો ઉભી કરવામાં અાવી રહી છે, જેના કારણે અહીંથી ભારેખમ વાહનો તેમજ િલગ્નાઇટ પરિવહન કરતા હજારોની સંખ્યામાં વાહનોની રાત-દિવસ અવર-જવર રહે છે. વધુમાં મીઠાનું પરિવહન કરતા વાહનો પણ અહીંથી પસાર થતા હોઇ બાયપાસ માર્ગ બનાવવો અતિ અાવશ્યક છે.

તોતિંગ વાહનોની દિવસ રાત આવ-જાથી અકસ્માતનો ઝળુંબતો ભય
નખત્રાણા સરપંચ લીલાબેન પાંચાણીઅે જણાવ્યું હતું કે, નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ છે. મોટા તોતીંગ વાહનોની અવર-જવરના કારણે સતત અકસ્માતનો ભય સતાવે છે. અા સમસ્યાને લઇ આર એન્ડ બી સ્ટેટ તેમજ સરકાર સુધી રજૂઆતો કરાઇ છે અને વહેલી તકે અા પ્રશ્ન ઉકેલાય અને નખત્રાણાને બાયપાસ માર્ગ મળે એ માટે લેખિત માંગ કરાઇ છે.

નાગલપર-વિરાણી બાયપાસ માટે સરવે કરી અેસ્ટીમેન્ટ પ્લાન તૈયાર કરાયો: ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
આ બાબતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પૂછતા તેમણે કહ્યું કે, ગત ટર્મમાં સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખી બાયપાસ મુદે સરવે કરાવી નાગલપરથી વિશ્વકર્મા માર્કેટ, નાગલપરથી શનિ મંદિર તેમજ નખત્રાણા બેરૂ વાયા નાના નખત્રાણાથી વિશ્વકર્મા માર્કેટ સુધીનો પ્લાન સરવેયરોને સાથે રાખી તૈયાર કરી સરકારમાં મુક્યો છે અને ગઈકાલે નાગલપરથી વિરાણી રોડનો બાયપાસ બનાવવા માટે નખત્રાણા પીડબલ્યુડી અધિકારી, સ્થાનિક પદાધિકારીઓ સાથે મળી સરવે કરી સરકારમાં એસ્ટીમેન્ટ પ્લાન મુકવા તૈયારી કરી છે.

અને બાયપાસનો મુદ્દો ઉકેલાઈ જશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ વિનોદ ચાવડા સહિતનાઓને પત્ર વ્યવહારથી અા પ્રશ્ન ઉકેલવા રજૂઆતો કરી છે અને હવે ટૂંક સમયમાં બાયપાસ માર્ગનો પેચીદો પ્રશ્ન પણ હલ થવાની તૈયારીમાં છે.

2017માં તાલુકા પંચાયત પ્રમુખે સરવે કરાવ્યો હતો
વર્ષ 2017માં તે સમયના તાલુકા પંચાયતના પ્રમુખ ભરત સોમજિયાણીઅે માથે રહી સૂચિત બાયપાસ માર્ગનો સરવે પણ કરાવ્યો હતો. ત્યારબાદ પણ અા પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. ટ્રાફિકનો પ્રશ્ન હાલે ગામમાંથી પસાર થતાં માર્ગના મંદ ગતિઅે ચાલતા કામના કારણે જ નથી ઉદ્દભવ્યો પરંતુ વર્ષો જૂનો છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બાયપાસ માર્ગ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

મુખ્યમંત્રી સુધી રજૂઅાત છતાં પ્રશ્ન ઠેરનો ઠેર : ચેમ્બર પ્રમુખ
નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણીએ કહ્યું હતું કે, માથાના દુ:ખાવારૂપ નખત્રાણા ટ્રાફિક સમસ્યાનો એકમાત્ર ઉકેલ બાયપાસ માર્ગ છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વખતોવખત ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઅાતો કરી છે તેમ છતાં અા પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી. વહેલી તકે બાયપાસ માર્ગનો પ્રશ્ન હલ થાય અને લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળે તેવી આશા રાખીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...