તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ લહેરની જેમ પલાયન શરૂ:મુન્દ્રામાંથી હજારો પરપ્રાંતીય શ્રમિકો વતન ભણી રવાના થઇ ગયા

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીથી પ્રભાવિત ઔદ્યોગિક નગરી
  • ખાનગી બસો અને વાહનોના તોતિંગ ભાડા ખર્ચી બંદરગાહ પરથી હિઝરત કરી

એક વર્ષ અગાઉ કોરોના મહામારીના પ્રારંભે મુન્દ્રામાંથી વતન રવાના થયેલા પરપ્રાંતીય શ્રમિકો પરિસ્થિતી થાળે પડતા રોજગાર અર્થે બંદરગાહ પર પરત ફર્યા હતા.પરંતુ કોવીડ -19ની બીજી લહેર થકી હાલત વધુ વણસતા હજારોની સંખ્યામાં મજૂરોએ ફરી વતન ભણી દોટ મૂકતાં બંદરીય ગતિવિધી મંદ પડી હોવાના અહેવાલ સાંપડ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર યુપી,બિહાર,ઝારખંડ,એમપી તથા ગોધરાના હજારો શ્રમિકો છેલ્લા બે દસકાથી રોજગાર મેળવે છે.બાર માસ અગાઉ કોરોનાની પ્રથમ લહેર વખતે સરકારે લોકડાઉન જાહેર કરતાં શ્રમિકોને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની જવાબદારી પ્રશાસને લીધી હતી.જેને લઈને મોટી સંખ્યામાં મજૂરો પોતાના વતનની વાટ પકડી હતી.

પરંતુ ટૂંક સમયમાં સ્થિતી સુધરતાં તમામ શ્રમિકો રોજગાર અર્થે બંદરગાહ પર પરત ફર્યા હતા.પરંતુ હાલ અધકચરા લોકડાઉન અને કોરોનાની માર વચ્ચે પિસાતા હજારો મજૂરોએ છેલ્લા એક માસથી રેલ સેવા પ્રભાવિત હોવાને કારણે ખાનગી બસો અને વાહનોના સહારે તોતિંગ ભાડા ખર્ચી વતન તરફ દોટ મૂકતા તેની અસર પોર્ટ પર પડવાથી બંદરીય ગતિવિધિઓ પણ મંદ પડી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

હાલ પણ હજારો હમાલો મહેનતાણાની રાહ જોઈ રહ્યા છે.
બંદરીય વેપાર સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાન હાલાતને કારણે મુકાદમોએ મહેનતાણું ન ચુકવતા હાલ પણ હજારો શ્રમિકો પગારની રાહ જોઈ બેઠા છે.અને તે હાથમાં આવતાની સાથે પોતાના વતનની વાટ પકડશે.
રેલ સેવા પ્રભાવિત થતાં ખાનગી વાહનોના તોતિંગ ભાડા ખર્ચે છે
ઉપરોક્ત બાબતે ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કારણે રેલ સેવા પ્રભાવિત થતાં મજૂરો ખાનગી વાહનોનું મોં માંગ્યું ભાડું ચૂકવી પોતાના નિયત સ્થાને પહોંચી ગયા છે.અને હાલ રાજસ્થાન સરકાર દ્વારા લોકડાઉન જાહેર થતાં હવે યુપી બિહારના મજૂરો વાયા મધ્યપ્રદેશ ના જબલપુર અને ઈન્દોરનો ફેરો ખાઈ તોતિંગ ભાડું ચૂકવીને પણ પોતાની જન્મભૂમિ ખાતે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...