જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત:રામાણીયાની ગૌચરમાંથી ખનીજ ચોરી મુદ્દે પગલા ભરવા માંગ ઉઠી

મુન્દ્રા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના લોકોએ પચાસ સહી સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને કરી રજુઆત

તાજેતરમાં મુન્દ્રા પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓએ તાલુકાના રામાણીયા સ્થિત ગૌચર જમીનમાંથી કિંમતી ખનીજ સંપદા ની ગેરકાયદેસર ચોરી કરતાં પ્રાથમિક તબક્કે જનતા રેડ કરનાર ગ્રામજનો સ્થાનિક પ્રશાસન દ્વારા સકારાત્મક પ્રતિસાદ ન મળતાં જિલ્લા સમાહર્તા તથા પોલીસ અધિક્ષકની કચેરીએ ફરિયાદ કરવા દોડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ નાના એવા રામાણીયા ગામના લોકોએ પચાસ સહી સાથે ઉપરોક્ત બંન્ને જગ્યાએ રૂબરૂ જઈ કરેલ લેખિત ફરિયાદમાં એક તો ગામમાં 2000 પશુધન સામે ગૌચર જમીન પૂરતી ન હોવાનો ઉલ્લેખ કરી થોડા દિવસો પહેલાં ખનીજ ચોરો સર્વે ન 325 ની ઉગમણી બાજુએ આવેલી ગૌચર જમીન માંથી સીતેર ફૂટ ઉંડો ખાડો કરી એક ડમ્પરમાં 30 ટન લેખે 50 ગાડીમાં અંદાજિત 5000 ટન કિંમતી ખનીજ ચોરી ગયા હોવાની ચોંકાવનારી રજૂઆત કરી છે.વિશેષમાં આ અંગે અગાઉ સ્થાનિક સ્તરે અનેક રજૂઆત કરાયા છતાં સરકારી સંપદા બચાવવા કોઈ ઠોસ કાર્યવાહી કરાઈ ન હોવાની લાગણી દર્શાવી સૂચિત ગતિવિધીમાં ગ્રામપંચાયતના સુત્રધારો સામેલ હોવાનો આડકતરો ઈશારો કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ખનીજનો ચોરાઉ જથ્થો ભઠ્ઠીમાં ગાળી નખાયો
મુન્દ્રાના છેવાડા ના ગામ રામાણીયા,તુંબડી અને તેને સંલગ્ન માંડવી તાલુકાના અનેક ગામોમાં એલ્યુમિનિયમ નું મિશ્રણ ધરાવતી બેન્ટોનાઇટ જેવી કિંમતી ખનીજ સંપદા જમીનમાં ધરબાયેલી પડી છે.હાલ સમગ્ર પંથકમાંથી રેતી ઉલેચી ચૂકેલા ખનીજ માફિયાઓની મેલી નજર હવે તેના પર હોવાનું પ્રતિત થઇ રહ્યું છે ત્યારે આ કિસ્સામાં ગૌચરમાંથી ઉસેડવામાં આવેલી સંપદા નજીક આવેલા એક ગામની ભટ્ટીમાં ઓગાળી નાખવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...