તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોજરંજન ક્ષેત્રે શૂન્યાવકાશ:કચ્છના પેરિસ લેખાતા મુન્દ્રામાં નાનો એફિલ ટાવર તો ઠીક એક સારો બગીચો પણ નથી !

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાકબંગલા વિસ્તારને વિકસાવાની ઉત્તમ તક
  • વોકિંગ ટ્રેકના નિર્માણ સમેત ગાર્ડનનું આધુનિકરણ નગરજનો ઈચ્છી રહ્યા છે : નવી સુધરાઇ પાસે લોકોને અનેક અપેક્ષા

છેલ્લા બે દસકાથી માત્ર કાગળ પર કચ્છનું પેરિસ ગણાતું મુન્દ્રા ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તાજેતરમાં મુન્દ્રા અને બારોઇની ગ્રામપંચાયતને મર્જ કરી સુધરાઈનો દરજ્જો સુદ્ધાં પ્રાપ્ત થયો, પરંતુ વિકાસને વરેલા બંદરીય શહેરના નગરજનો સમુદ્રનો તટ નિહાળવા માટે તો વર્ષોથી પરાવલંબી અવસ્થામાં સરેલા છે.

મનોરંજન ક્ષેત્રે સર્જાયેલો શુન્યાવકાશ હવે લોકોને કોરી ખાય છે, ત્યારે હાલમાંજ અમલમાં આવેલી સુધરાઈના સત્તાધીશોને ડાકબંગલા નજીક આવેલા ઉદ્યાન પાસેના નદીના પટને વિકસાવાની ઉત્તમ તક સર્જાઈ હોવાની લાગણી નગરનો પ્રબુદ્ધ વર્ગ દર્શાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સૂચિત વિસ્તારમાં ટૂંક સમયમાં આધુનિક ટાઉનહોલ તેમજ પાલિકા ભવનની ઇમારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નગરના પ્રવેશદ્વાર સમા ડાકબંગલાથી ભગતવાડી સુધી અંદાજિત એક કિમીથી વધુ વિસ્તારમાં દબાણકારોનું અતિક્રમણ અને વાહનોની અવર જ્વરનો અતિરેક અનેક સમસ્યાઓ સર્જી રહ્યો છે. માટે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બની જાય અને લોકોના આનંદ પ્રમોદનું એક નવું સ્થળ પણ બની રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

ભૂતકાળમાં વડાપ્રધાન રાજપથ યોજના હેઠળ માર્ગની દરખાસ્ત પણ મુકાઈ હતી : શહેર પ્રમુખ કોંગ્રેસ
કોંગ્રેસના શહેર પ્રમુખ કપિલ કેસરીયાએ ભૂતકાળમાં સૂચિત જગ્યાએ વડાપ્રધાન રાજપથ યોજના હેઠળ માર્ગ બનાવાની દરખાસ્ત પણ ધારાસભ્ય સ્તરેથી મુકાઈ હોવાની લાગણી દર્શાવી પ્રથમ તો નદીના પટમાં થયેલા અસંખ્ય દબાણો હટાવા પર ભાર મુક્યો હતો. ત્યારબાદ લોકોના આનંદ પ્રમોદ માટે નજીકમાં વિકસાવા જેવું એકજ સ્થળ બચ્યું હોવાની લાગણી સાથે સુધરાઈ ઈચ્છા શક્તિ દર્શાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

વોકિંગ ટ્રેક-બાયપાસ રોડની દરખાસ્ત મુકવામાં આવશે-સુધરાઈ પ્રમુખ
ઉપરોક્ત બાબતે મુન્દ્રા સુધરાઈના પ્રમુખ કિશોરસિંહ પરમારનો સંપર્ક સાધતા તેમણે સૂચિત જગ્યાએ પાલિકા ભવન તથા ટાઉનહોલનું નિર્માણ શરૂ થતાંજ ત્યાં સુધી રસ્તો બનાવા ગેરકાયદેસરના દબાણ હટાવાની કામગીરી હાથ ધરવાનું જણાવતા ટૂંક સમયમાંજ પ્રજાહિતને લક્ષમાં રાખીને રાજ્ય સ્તરે બાયપાસ રોડ તેમજ વોકિંગ ટ્રેક અંગેની દરખાસ્ત મુકવાનું આયોજન કરવાની ખાત્રી ઉચ્ચારી હતી.

રસ્તો બને તો ટ્રાફિક સમસ્યા નિવારી શકાય-આપ
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સંજય બાપટ અને શહેર પ્રમુખ મજીદ સમાએ ડાકબંગલા થી હરિ બાગ સુધી બાયપાસ રોડ સાથે વોકવે બનાવાય તો પોર્ટ તરફ પરિવહન કરતા તમામ વાહનો અહીં ડાયવર્ટ થાય અને નગરમાં કાયમી બનેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ સાથે નગરજનોને પણ મનોરંજન માટેનું સાધન મળી રહેવાની લાગણી દર્શાવી હતી.

ડાકબંગલાથી ભગતવાડી સુધી રિવરફ્રન્ટ બનાવી શકાય -પૂર્વ સરપંચ
ઉપરોક્ત મુદ્દે અભિપ્રાય આપતા મુન્દ્રાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસરે ગ્રામપંચાયત વેળાએ સૂચિત વિસ્તારને અદાણી ગ્રુપના સહયોગથી રિવરફ્રન્ટ તરીકે વિકસાવાની વિચારણા કરાઈ હોવા બાબત પર પ્રકાશ પાડી હવે સુધરાઈ ઈચ્છે તો આસપાસના દબાણ હટાવી નદી વચ્ચે કાયમી કેનાલ અને આજુ બાજુ રિવરફ્રન્ટની જેમ વોકવે બનાવા સમર્થ હોવાની લાગણી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...