ફફડાટ:બારોઇમાં કોમર્શિયલ બાંધકામ ધરાવતા આઠ હજાર સંચાલકોમાં ફેલાયો ફફડાટ

મુન્દ્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રાના જમીન કૌભાંડ સંદર્ભે તંત્રના કડક વલણ બાદ
  • હજુ પણ આ મોંઘેરી મિલ્કતો રેકર્ડ પર ખોલી(રૂમ)તરીકે બોલતા હોવાથી સુધરાઈ અવઢવમાં

અગાઉ ગ્રામપંચાયત રૂએ અસ્તિત્વમાં રહેલા મુન્દ્રા તથા બારોઈ ને સંયુક્ત પણે સુધરાઈનો દરજ્જો મળતાં અનેક સમીકરણો બદલાયા છે.જેના ભાગરૂપે પંચાયત સ્તરેથી વાડાઓ ફક્ત સોગંદનામાંના આધારે જમીન માફિયાઓને ધરી દઈ કરોડોના જમીન કૌભાંડે આકાર લીધો હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પ્રશાસને કડક રૂખ અપનાવી લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવાની કામગીરીને ઓપ આપતાં હવે તેજ સમયગાળામાં બારોઇ રોડ પર નિર્માણ પામેલી લાખેણી દુકાનો સમેત કુલ્લ આઠ હજાર બાંધકામો જે હાલ હજી પણ ઓન રેકર્ડ રૂમ (ખોલી)તરીકે બોલતા હોવાથી વેપારી આલમમાં સોપો પડી ગયો છે.હવે તંત્ર દ્વારા વ્યાપારિક ધોરણે ઉભા કરાયેલા કતારબંધ બાંધકામો સંદર્ભે શું નિર્ણય લેવાય છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

સમગ્ર ઘટનાક્રમ ને વાગોળીએ તો બે દસકા અગાઉ નગરનો ઔદ્યોગિક વિકાસ થતાં પરા સમાન બારોઇ રોડ પર જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ જમીનોના ભાવ ઉંચકાયા હતા.પછી તબક્કાવાર નગરના ભાવિને વણદેખ્યો કરી ડેવલોપર્સોએ રોડ ટચ બાંધકામો કરી સંલગ્ન ખાતાઓ પાસેથી કોમર્શિયલ મંજૂરી લીધા વિના દુકાનોનો ઢગ ખડકી દીધો.ત્યારે તત્કાલીન પંચાયતી સત્તાધીશોએ તગડો ભ્રસ્ટાચાર કરી રહેણાંક દર્શાવી ઉભા થયેલા વ્યાપારિક બાંધકામો તરફે આંખ આડા કાન કર્યા વિશેષમાં દુકાનો લેનારાઓએ પણ હંગામી ધોરણે મળતા લાભ થી લલચાઈ લાખોના ભાવે દુકાનો ખરીદી લીધી હવે જયારે બારોઇ પંચાયતમાંથી પાલિકામાં પરીવર્તિત થઇ છે ત્યારે આવા બાંધકામ ધરાવતા આઠ હજારથી પણ વધારે મિલકત ધારકો મૂંજાયા છે.

બીજી તરફ સુધરાઈ પણ ફક્ત વ્યવસાય વેરો ભરતા થોકબંધ અનધિકૃત બાંધકામો પાસેથી અન્ય વેરા વસૂલી કરી આવકનો કાયમી સ્ત્રોત ઉભો કરવાની ફિરાકમાં છે.પણ કાયદાકીય રીતે તેને અમલમાં કેમ મુકવો તેની અવઢવ સુધરાઈ ના સત્તાધીશો અનુભવી રહ્યા છે જયારે સૂચિત બાંધકામો ધરાવનાર સમસ્યાનો નિવેડો ઈચ્છી રહ્યા છે.

પ્રાદેશિક કમિશ્નર કચેરીના માર્ગદર્શન તળે આગળની કાર્યવાહી કરાશે -સુધરાઈ પ્રમુખ
ઉપરોક્ત મુદ્દે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે સમર્થન આપતાં હાલ આવા બાંધકામોની રિસર્વે કામગીરી હાથ ધરાઈ હોવા બાબત પર પ્રકાશ પાડતાં તેના માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ નિયુક્ત એજન્સી દ્વારા ચાર માસના સમયગાળામાં આવા બાંધકામોના ચોક્કસ વિસ્તારનો અહેવાલ સુપ્રત કર્યા પછી તેને રાજકોટ સ્થિત પ્રાદેશિક કમિશ્નર કચેરી ખાતે રવાના કરવા બાબતથી માહિતગાર કરી તેના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરવાની લાગણી દર્શાવી હતી.

રૂમ ધારકો પાસેથી વન ટાઈમ પેનલ્ટી વસુલાત કરવાની શક્યતા
જયારે પ્રાપ્ત માહિતી મુજબ ગેરકાયદેસર બાંધકામોની સંખ્યા પ્રમાણમાં અત્યંત વધારે હોવાથી દરેક પાસેથી વન ટાઈમ પેનલ્ટી વસુલ કરી મિલ્કતને રેગ્યુલાઇઝ કરવાનો નિર્ણય ઉચ્ચ સ્તરેથી લેવાય તેવો મત જાણકાર સૂત્રોએ વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...