બજારો ફરી રાબેતા મુજબ:ઔદ્યોગિક નગરી મુન્દ્રા 27 દિવસના લોકડાઉન બાદ ધબકતી થઇ

મુન્દ્રા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીચ વિસ્તારોમાં વાહનધારકોને નિષેધ જાહેર કરાય તો સામાજિક અંતરનું ચુસ્ત પાલન થાય

ઔદ્યોગિક નગરી મુન્દ્રા મધ્યે કોરોના મહામારીના કેહર વચ્ચે પ્રથમ પાંચ દિવસ બાદ તબક્કાવાર જાહેર કરાયેલ અઠવાડિયા અને પંદર દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની સમયમર્યાદા આજે પૂર્ણ થતાં નગરની બજારો ફરી રાબેતા મુજબ ધમધમી ઉઠી હતી.

લોકડાઉનની અવધિ પૂર્ણ થતાં નગરના પરા સમાન બારોઇ રોડ ઉપરાંત કોટ અંદરના અને બસસ્ટેન્ડ વિસ્તારમાં મોટા વેપારીઓ સાથે રોજનું કમાઈ ખાતા લારી ધારકોએ પણ આનંદની લાગણી સાથે પોતાના રોજગાર શરુ કર્યા હતા. ત્યારે હવે ધંધાર્થીઓ સાથે નગરજનો પણ જાગૃતતા કેળવી સરકારી માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે સામાજિક અંતર જાળવી માસ્ક ધારણ કરશે તો કોવિડ 19ની વિપદાને નાથવામાં ચોક્કસપણે સફળતા મળશેનો મત ચોમેર પ્રવર્તી રહ્યો છે.

કોટ અંદરના વિસ્તારમાં દ્વિચક્રી સિવાયના વાહનો માટે નોએન્ટ્રી જાહેર કરવાની માંગ ઉઠી
અત્યંત ગીચ એવા નગરના કોટ અંદરના વિસ્તારમાં દિવસના ભાગે પ્રવેશ કરતા ભારે વાહનો ગીચતામાં વધારો કરે છે જેના કારણે રાહદારીઓ માટે સામાજિક અંતર જાળવવું અત્યંત કઠિન થતું હોવાથી નગરનો પ્રબુદ્ધ વર્ગ સૂચિત વિસ્તારમાં ભારે વાહનો માટે નોએન્ટ્રી જાહેર થાય તેવું ઈચ્છી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ફેલાયા પહેલાં પણ કલેક્ટરના જાહેરનામાંથી કોટ અંદરના વિસ્તારમાં ભારે વાહનોને દિવસ દરમ્યાન પ્રવેશ નિષેધ ફરમાવામાં આવ્યો હતો.પરંતુ તેની ચુસ્ત અમલવારી થતી ન હતી.હવે જયારે પરિસ્થિતી વિકટ બની છે ત્યારે ભારે વાહનો સાથે રીક્ષા છકડો જેવા ત્રિચક્રી વાહનોના પ્રવેશ પર પણ હંગામી ધોરણે લોક હિતને અનુલક્ષીને રોક લગાવાય તો સામાજિક અંતર સુપેરે જળવાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...