માંગણી:મુન્દ્રા-બારોઇમાં સુરક્ષાર્થે ખારી મીઠ્ઠી ત્રિભેટે હંગામી કન્ટેઇનર પોલીસ ચોકી ઉભી કરવી આવશ્યક

મુન્દ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂની રજુઆત બાદ ગત લોકદરબારમાં પણ થાણું કાર્યરત કરવાની પ્રબળ માંગ ઉઠી હતી

ઔદ્યોગિક આક્રમણ બાદ જેટ ગતિએ વિકાસ ને વરેલા મુન્દ્રાના પરા સમાન બારોઇ રોડ મુકામે જે તે વખતે ગ્રામપંચાયત સ્તરેથી હંગામી ધોરણે પોલીસ થાણું ઉભી કરવાની માંગ ઉઠી હતી. જેને પશ્ચિમ કચ્છ એસપી દ્વારા આયોજિત ગત લોકદરબારમાં દોહરાવામાં પણ આવી હતી. ત્યારે હાલ ખારીમીઠ્ઠી ત્રિભેટે જમીન કૌભાંડ પૈકી સરકારને સરન્ડર કરાયેલ જમીનમાં કન્ટેનર ચોકી નિર્માણ કરવાની ઉજ્જવળ તકો ઉભી થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બારોઇમાં કરોડોના બહુચર્ચિત જમીન કૌભાંડ મુદ્દે તંત્ર એ લાલ આંખ કરતાં ખારીમીઠ્ઠી રોડ પર એક મિલકત સ્વેછાએ સુધરાઈને સુપ્રત કરી તેની પર નિર્માણ પામેલ ઇમારત એક મહિના અગાઉ ધ્વસ્ત કરવામાં આવી હતી.હાલ જયારે બારોઇ ની વસ્તી મુન્દ્રા ને સમાંતર થતાં મુન્દ્રા બારોઇને સંયુક્ત પણે પાલિકાનો દરજ્જો અપાયો ત્યારે હવે લોકોની અવર જ્વર થી ધમધમતા બારોઇ રોડ પર પોલીસ ચોકીની આવશ્યકતા ઉભી થઇ છે.માટે તદ્દન મોકાની સૂચિત સરકારી જમીન ફરી દબાણકારો નું નિશાન બને તે પહેલાં અહીં લોકહિતમાં પોલીસ રૂપે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

તાલુકા પંચાયતથી ખારી મીઠ્ઠી ત્રિભેટ સુધી અસામાજિક તત્વોનો ત્રાસ
આમ પણ તાલુકા પંચાયત ગેટ થી ખારીમીઠ્ઠી ત્રિભેટ સુધી આવેલા બારોઇ રોડ પર મહિલાઓની ઘાટી આવજા રહે છે. અહીં સવાર સાંજ ધૂમ સ્ટાઇલ માં વિહરતા અને અડિંગો જમાવી બેઠેલા લુખ્ખા તત્વો થકી અવાર નવાર મહિલાઓની છેડતીના બનાવો સામે આવે છે ત્યારે મહિલાઓની સલામતી માટે પણ ચોકી જરૂરી બની છે.

પોલીસ સમક્ષ પ્રસ્તાવ મૂકી કન્ટેનર ચોકીના પ્રયાસો હાથ ધરાયા છે: નગર પાલિકા પ્રમુખ
ઉપરોક્ત મુદ્દે સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમાર નો સંપર્ક સાધતા તેમણે ઉપરોક્ત બાબત વિચારણા હેઠળ હોવાનું જણાવી હાલ અહીં હંગામી ધોરણે બે કોન્સેટબલ ફાળવવાની રજૂઆત કરાયા બાબત પર પ્રકાશ પાડી આગામી સમયમાં ચોકી કાર્યરત કરવા પ્રયાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...