ચોર-લૂંટારાને મોકળું મેદાન:બાબિયા પાસે પેટ્રોલપંપ પર છરી બતાવી 47 હજારની લૂંટ, મુન્દ્રા તાલુકામાં સતત બીજા દિવસે લૂંટ

મુન્દ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નજીકમાં જ બેરાજાની સોલાર કંપનીમાંથી 12.42 લાખનો કેબલ ચોરાયો હતો
  • ચાર લૂંટારાએ સીસીટીવી બંધ કરી ઘટનાને આપ્યો અંજામ : પોલીસે આદરી છાનબીન

મુન્દ્રા પંથકમાં છેલ્લા અઠવાડિયાથી જાણે લૂંટારુ ટોળકી રેઢું ખેતર સમજી બેફામ બની હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. પરમ દિવસે રાત્રે તાલુકાના ઝરપરા મધ્યે આવેલા કન્ટેનર યાર્ડ માંથી છરીની અણીએ અજાણ્યા શખ્સોએ 7,200ની માલમતાની લૂંટ ચલાવી હોવાની તપાસ હજી ચાલુમાં છે ત્યાં ગુરૂવારે મધરાત્રે લૂંટારુ ટોળકીએ બાબિયા નજીક આવેલા પેટ્રોલપંપમાંથી સેમ મોડ્સ ઓપરેન્ડી સાથે છરીની અણીએ 47 હજારની લૂંટ ચલાવતા પોલીસ ખાતું ચોંકી ઉઠ્યું છે. અને મોડી સાંજે મુન્દ્રા પોલીસ ઉપરાંત મદદનીશ જિલ્લા પોલીસ અધિક્ષક જે એન પંચાલને ઘટના સ્થળે તપાસ અર્થે દોડી આવવું પડ્યું હતું.

પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉપરોક્ત બનાવ મુન્દ્રા તાલુકાના બાબિયા મુકામે આવેલા ધોરીમાર્ગ સ્થિત પેટ્રોલપંપ પર ગુરૂવારે મોડીરાત્રીએ 2 થી 2.30ના સમયગાળા દરમ્યાન ઉપરોક્ત બનાવ બન્યો હતો. જેમાં ચાર અજાણ્યા શખ્સોએ પહેલા પંપની કેબિનમાં પ્રવેશ કરી પ્રથમ ત્યાં લાગેલા સીસીટીવી અને તેની સામગ્રી કબ્જે કરી હતી. ત્યાર બાદ કેશિયરને છરી બતાવી ગલ્લામાં પડેલ રૂપિયા 39 હજાર રોકડ અને તેની પાસેનો 8 હજારનો મોબાઈલ ઝુંટવી કુલ્લ 47 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

બનાવને પગલે ઘટના સ્થળે ઘસી ગયેલા મુન્દ્રાના નવનિયુક્ત પીઆઇ મિતેષ બારોટે માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદીની કેફિયત પરથી હિન્દી અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા ચાર અજાણ્યા યુવાનોએ લૂંટને અંજામ આપ્યો છે. હવે પોલીસે તેના પરથી લુટારુઓનું પગેરું દબાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. મોડી સાંજે પહોંચેલા ડીવાયએસપી જે એન પંચાલે પણ કારાઘોઘા ઓપીના જમાદાર પ્રવિણસિંહ ઝાલા સાથે બનાવના સ્થળની મુલાકાત લીધી હતી. બાબિયાના ઉપસપંચ યુવરાજસિંહ વાઘેલા સહાયતામાં જોડાયા હતા. તેમજ પંપના સંચાલક હરેન્દ્રસિંહ ગવુભા વાઘેલાએ વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં ભુજના બનાવ સમેત લૂંટની હેટ્રીક
​​​​​​​અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ભુજમાં લૂંટારૃઓએ યુવાનને છરી ઝીંકી 5.71 લાખની લૂંટ ચલાવ્યાના બીજા જ દિવસે મુન્દ્રા તાલુકાના ઝરપરા સ્થિત કન્ટેનર પાર્કમાંથી છરીની અણીએ 5,600ની રોકડ અને 1,600નું રાઉટર મળી 7,200ની માલમતા લૂંટી ગયા હતા. તથા ગુરૂવારે મધ્યરાત્રીએ બાબિયા પંપ પર 47 હજારની લુંટ સાથે લૂંટની હેટ્રીક મારી જાણે પોલીસને ચેલેન્જ આપી છે. જો કે, ભુજના લૂટના બનાવને પોલીસે ઉકેલી લઇ બે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

બેરાજા અને પ્રાગપરની બન્ને ચોરીમાં સીસીટીવીમાં 20 થી 30 વર્ષના યુવાનો નજર ચડ્યા
બેરાજા અને પ્રાગપર મુકામે થયેલ કેબલ વાયરની ચોરીના પ્રકરણમાં બંન્ને સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજમાં 20 થી 30 વર્ષના અજાણ્યા યુવાનો ચોરી કરતા નજર આવ્યા હતા.જયારે ઝરપરા અને બાબિયાની લૂંટના બનાવોમાં પણ લૂંટારુઓ લબરમૂછિયા યુવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે સમગ્ર પંથકમાં એક બીજાથી સંકળાયેલી એકજ ટોળકી સક્રિય હોવાનું જણાઇ રહ્યું છે.

અઠવાડિયામાં નજીકના બે સ્થળ કેબલ ચોરી
અઠવાડિયામાં નજીક નજીક ના બે સ્થળે કેબલ ચોરીના બનાવો બન્યા જેમાં બાબિયા નજીકના બેરાજાની સોલાર કંપનીમાંથી 12.42 લાખના અને કોપર વાયરની ચોરી અને ઉઠાંતરી થઇ હતી.જ્યારે પ્રાગપર -1 માં આવેલા અદાણી વિલમારના કેસ્ટર પ્લાન્ટમાંથી પણ ત્રણ લાખનો કોપર વાયર ચોરી થઇ હતી. જે હજુ ઉકેલાઇ નથી ત્યાં નજીકના પંપ પર લૂંટનો બનાવ બનાવે પોલીસને દોડતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...