આનંદ ની લાગણી:મુન્દ્રામાં અડચણરૂપ 125 લારીનું સોમવારથી હડ્ડાખુડીમાં સ્થળાંતર, પાલિકાના સંચાલકોએ ફેરિયાઓને સૂચના આપી

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ વિકાસ કાર્યોના પ્રથમ ચરણમાં નગરના કોટ અંદરના વિસ્તારને પેવર બ્લોકથી મઢવાની કામગીરીના શ્રીગણેશ પછી હવે સોમવારથી ટ્રાફિકમાં અડચણરૂપ બનતા 125 લારીધારકોનું તાલુકા પંચાયત કચેરીના સામેના ભાગે આવેલ હડ્ડાખુડી પરિસરમાં સ્થળાંતર કરાશે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષોથી નગરની વણઉકેલાયેલી સમસ્યા નિવારવા સુધરાઈના સત્તાધીશોએ વ્યાયામ હાથ ધરી કોટ અંદરના ગીચ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યામાં નિમિત્ત બનતા લારીધારકોનું સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો હતો.

જે માટે પ્રથમ ઉબડખાબડ હડ્ડાખુડી વિસ્તારને સમતળ કરી ત્યાં સ્ટોલ બનાવી લાઈટ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરાઈ હતી.ત્યાર બા છૂટક વેપાર કરતા લારીધારકો ને તબ્દીલ થવાનું અલ્ટીમેટમ આપી સૂચિત સ્થળ પર વેપાર કરવા ઇચ્છુકો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી.જે અનુસંધાને શાકભાજી નો વેપાર કરતા 85 ખાણીપીણી વાળા 15 અને પરચુરણ 15 મળી કુલ્લ 125 અરજીઓ મળતાં હવે સોમવારથી વ્યવસ્થા ઉભી કરી તેમનું હડ્ડાખુડી માં સ્થળાંતર કરાશે .જેથી કોટ અંદરના વિસ્તારમાં મોટા ભાગે ટ્રાફિક સમસ્યા હલ થતાં નગરજનોમાં આનંદ ની લાગણી ફેલાઈ છે.

લારીધારકોને ડ્રો સિસ્ટમથી સ્ટોલ ફાળવાશે
ગતિવિધીથી વાકેફ કરતાં કારોબારી ચેરમેન ડાયાલાલ આહીરે 125 ધારકોને સ્ટોલ ફાળવણી કરવા રવિવારે પાલિકામાં ડ્રો કરવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ડ્રો માં જે લારીધારક ના નંબર ની ચીઠી નીકળશે તેને તે નંબર નો સ્ટોલ ફાળવવામાં આવશે જેથી વિવાદને અવકાશ ન રહેવાની લાગણી દર્શાવી હતી.

બારોઇ રોડને બીજા તબક્કામાં સમાવેેશ કરાશે
તદઉપરાંત નગરના કોટ અંદરના વિસ્તારમાં ટ્રાફિક નો પ્રશ્ન હલ થયા બાદ બાકી રહેતા બારોઇ રોડના લારીધારકો ને ટૂંક સમયમાં નિર્માણ પામવા જઈ રહેલા ગૌરવપથ પર તબદીલ કરવાની કાર્યવાહી પર હાલ કામ થઇ રહ્યું હોવાની માહિતી સુધરાઈ દ્વારા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...