જનજાગૃતિના કાર્યક્રમો:પ્રારંભિક તબક્કે યોગ્ય સારવારથી ટીબી રોગને મ્હાત આપી શકાય

મુન્દ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રામાં ટીબી મુક્ત મહા અભિયાન અંતર્ગત જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા

સમાજ ટીબી મુક્ત બને તેમજ તેના પ્રત્યે લોકોમાં જાગૃતતા કેળવાય તે આશય થી મુન્દ્રા મધ્યે ટીબી મુક્ત મહા અભિયાન અંતર્ગત જનજાગૃતિના વિશેષ કાર્યક્રમો તેમજ સ્વયંસેવકો માટે વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું .જિલ્લા ક્ષય ઓફિસ ભુજ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ મધ્યે જિલ્લા ટીબી અધિકારી મનોજ દવે એ પ્રાસંગીક ઉદબોધન કરતાં સરકાર દ્વારા હાથ ધરાયેલ મહા અભિયાનમાં સૌએ સાથે રહી સકારાત્મક પરિણામો લાવવા હાકલ કરી હતી.

તેમજ ઉપસ્થિત લોકોને બીમારીની શરૂઆત થી જ યોગ્ય સારવાર ,માર્ગદર્શન અને નિયમિત દવાઓના સેવનથી જલ્દી સ્વસ્થ થઇ શકવા અંગેની સમજણ આપી હતી.કાર્યક્રમના પ્રારંભે અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા સ્વ આરોગ્ય જાળવી નિરોગી રહેવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું .વિશેષમાં તાલીમાર્થીઓને સાચી અને સચોટ માહિતી મેળવી ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓને નજીકના આરોગ્ય સેન્ટર પર મોકલી ટીબી મુક્ત ભારત અભિયાનના સારથી બનવા અપીલ કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન,ધ યુનિયન,ફોકિયા અને જિલ્લા તથા તાલુકા હેલ્થ ઓફિસના સહિયારા પ્રયાસોથી મુન્દ્રા તાલુકામાં ટીબીના દર્દીઓમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.ઉપરોક્ત કાર્યક્રમમાં અદાણી પોર્ટના એચ આર હેડ અરિન્દમ ગોસ્વામી ધ યુનિયનના નિતીન સોલંકી,અદાણી હોસ્પિટલના વત્સલ પંડ્યા ટાટા પાવરના પ્રદિપ ગોસાલ ફોકિયાના માધવીબેન વગેરે એ ઉપસ્થિત રહી ટીબી મુક્ત ભારત અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...