વિરોધ:જેલમાં ધકેલો પણ વળતર વિના કામ કરવા નહીં દઈએ

મુન્દ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સુરક્ષા સાથે કામ પૂર્ણ કરશું:નિગમનો હુંકાર
  • મુન્દ્રાના ખેડૂતો અને અધિકારીઓની બેઠક અનિર્ણિત

મુન્દ્રા તાલુકાના કિસાનોની જમીન નર્મદા કેનાલ ના કામ અર્થે સંપાદિત કર્યા બાદ તેમને વિવિધ ઝાડ, રોપા તેમજ બોરના સાધનો સમેત અન્ય સહાયક ચીજોની વળતર ચુકવવામાં ન આવતા ગઈકાલે ગિન્નાયેલા દસ ગામોના ભૂમિપુત્રોએ ભુજપરથી ગૂંદિયાળી સુધી થઈ રહેલ નર્મદા કેનાલનું કામ તાત્કાલિક અસરથી અટકાવી દેતાં હરકતમાં આવેલા તંત્રએ આજે ખેડૂતો સાથે બેઠક યોજી સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયાસો હાથ ધર્યો હતા. પરંતુ મોડે સુધી કોયડો વણ ઉકેલાયેલો રહેતાં નિગમના અધિકારીઓએ જો કેનાલની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરાય તો પોલીસ પ્રોટેક્શન લઇ ગતિવિધી શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે સબબ પ્રતિક્રિયા આપતા ખેડૂતોએ અમને જેલમાં પુરી દેજો પરંતુ અમે કામ કરવા નઈ દઈએનો આક્રોશ દર્શાવતા સમગ્ર મામલો ઘર્ષણ ભર્યો બની રહેવાની સ્થિતી નિર્માણ પામી છે.

ભુજપર વાડી વિસ્તારમાં નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર વિજય પંડ્યા, ધવલ પટેલ અને મુન્દ્રા મામલતદાર સી આર નિમાવતની ઉપસ્થિતીમાં અસરગ્રસ્ત કિસાનો સાથે મળેલી બેઠકમાં પ્રથમ મુદ્દો નવા પરિપત્ર મુજબ નર્મદા કેનાલ માટે સંપાદિત થયેલ જમીનના ધારકોને વળતર ચૂકવવાનું જાહેર કર્યા છતાં નર્મદા કેનાલનું કામ 90 ટકા પૂર્ણ થયા બાદ પણ વળતર અપાયું ન હોવાનો ચર્ચાયો હતો. વિશેષમાં કાંડાગરા, દેશલપર, નાની ખાખર, સમાઘોઘા, ભુજપર ના કિસાનોની વળતર રકમનો કુલ્લ આંક હાલ કરોડોમાં થતો હોવાની બાબત પર ભાર મુકી ખેડૂતોએ તેનું ત્વરીત ચુકવણું કરવાની માંગ કરી હતી.

ઉપરાંત જેને વળતર ચૂકવી આપવામાં આવ્યું છે તેવા કિસ્સામાં પણ ટકાવારી ની દ્રષ્ટિએ અનેક વિસંગતતાઓ હોવા અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં નર્મદા નિગમના અધિકારીઓએ તેમની લાગણી સરકાર સુધી પહોંચાડવાની ધરપત આપતાં તે બાબતથી ખેડૂતો સંતુષ્ઠ થયા ન હતા.

અંતે મામલો બિચક્યો હતો અને સરકારી પ્રતિનિધીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કેનાલનું કામ પૂર્ણ કરવાનો હુંકાર કર્યો હતો. છેલ્લે અધિકારીઓ ઉપરોક્ત બાબતે મોડી સાંજ સુધી પ્રાંત અધિકારી ચૌધરી સાથે બેઠક કરી વિચાર વિમર્શ કર્યો હતો. કિરણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, શાંતિલાલભાઈ ધોળુ અને વિરમ ગઢવી સમેત વિવિધ વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...