તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાતમ આઠમના તહેવારોમાં પણ મંદી:મુન્દ્રાની બજારોમાં લોકો ઉમટી પડ્યા પણ દુકાનોમાં માઠી ઘરાકી

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડીમેડ ગારમેન્ટના વેપારીઓ કોરોનાકાળથી સૌથી વધારે પ્રભાવિત થયા

સાતમ આઠમ ના સપરમાં તહેવારો નિમિતે ખરીદી માટે નીકળતી મહિલાઓ અને પુરુષોથી છલકાતી મુન્દ્રાની મુખ્ય બજારોમાં હાલ લોકો તો ભારે માત્રામાં ઉમટેલા જોવા મળ્યા હતા.પરંતુ દુકાનોમાં ઘરાકી તદ્દન માઠી હોઈ વેપારીઓના મોઢાનું નૂર હણાયું હતું પ્રાપ્ત અહેવાલ મુજબ સાતમ ની પૂર્વ સવારથીજ નગરના માંડવી ચોક,ખજૂર બજાર,બારોઇ રોડ તથા બંદર રોડ ખાતે ગ્રામ્ય વિસ્તારના બારાતુઓની ભારે અવરજવર જોવા મળી હતી.તેમજ સાંજ ના ભાગે પણ સ્થાનિક રહીશો થી બજાર ઉભરાઈ ગઈ હતી.પરંતુ લોકો ફક્ત લટાર મારી તહેવાર નો આનંદ લેતા હોય તેમ દુકાનોમાં ઘરાકી નજર ન આવતાં તમામ ક્ષેત્રના વેપારીઓના મોઢાનું નૂર હણાયું હતું.

ખાસ કરીને સાતમ આઠમ ના તહેવાર નિમિતે મીઠાઈ ફરસાણ અને ફરાળી વાનગીઓની હાથલારીઓ ગ્રાહકોથી ઉભરાતી હોય છે.જયારે ચોકની મધ્યમાં વર્ષોથી વેપાર કરતા ધારશક્તિ સ્વીટમાર્ટના ધર્મેન્દ્ર કંદોઈએ આ વખતે કોરોનાકાળને કારણે મંદીની અસર જોવા મળતાં ધંધો 60 ટકા એ આવીને અટકી ગયો હોવા બાબત પર પ્રકાશ પાડી લોકો ખોટા ખર્ચા કરવાનું ટાળતા હોવાનું જણાવ્યું હતું.અને તેજ પરિસ્થિતી મીઠાઈની તમામ દુકાનો પર નજર કરતા પ્રતિત થઇ હતી.

વિશેષમાં કોવીડ19 ને અનુલક્ષીને રેડીમેડ ગારમેન્ટનો વ્યવસાય સૌથી વધારે પ્રભાવિત થયો હોવાની લાગણી દર્શાવતા અદિતિ ફેશનના કિરીટ પીપરાણીએ જૂની પેઢી અને ઘરની દુકાનો ધરાવતા વેપારીઓનું ગુજરાન ચાલી જાય છે.બાકી ભાડાપટે દુકાનો લઇ ધંધો કરતા અનેક વેપારીઓ ઉઠમણું કરી ચુક્યા હોવાની લાગણી દર્શાવતા સરેરાશ તમામ ક્ષેત્રના ધંધાર્થીઓ કપરા સમય માંથી પસાર થઇ રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું હતું.

વરસાદ ન પડે તો વેપારીઓની દિવાળી પણ બગાડવાના એંધાણ
બીજી તરફ સર્વ ક્ષેત્રના વેપારીઓની રૂબરૂ મુલાકાત લેતાં ચોમેરથી હાલ ધંધો તદ્દન માઠો થઇ ગયા હોવાનો મત પ્રાપ્ત થયા બાદ હાલ ચોમાસું તદ્દન નબળું જતાં પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ હોવાના આંતર્નાદ સાથે હજુ પણ જો વરસાદ ન પડે તો વેપાર બિલકુલ ઠપ્પ થવાના એંધાણ વર્તાયા હતા.

અન્ય સમાચારો પણ છે...