ઉત્સાહનો સંચાર:મુન્દ્રા પંથકમાં પાછોતરી મેઘમહેરથી ખેતીને આંશિક જીવતદાન: 50 ટકા વળતરની આશા

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોતરફ હરિયાળંુ ઘાસ ઉગી નીકળતા અબોલ પશુઓ માટે ચરીયાણની સમસ્યા ઉકેલાઇ​​​​​​​

મુન્દ્રા પંથકમાં છેલ્લા અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તબ્બકાવાર ધીમે ધારે વરસાદ થતાં પાછોતરી મેઘમહેર થકી ખેતીને આંશિક જીવતદાન મળ્યું છે. જેથી પાછળથી વાવણી કરનાર કિસાનોને આઠ આની વળતર મળવાની આશા બંધાતા ભૂમિપુત્રોમાં ઉત્સાહનો સંચાર થયો છે.પ્રાપ્ત માહિતી મુજબ ઉધોગોના આગમન બાદ ફક્ત ખેતી પર નિભાવ કરતાં તાલુકાના કેટલાક ગામો જેવા કે ઝરપરા, ભુજપુર, નવીનાળ, દેશલપર, ખાખર, બોરાણા, મંગરા જેવા ગામોમાં પ્રથમ દુષ્કાળની પરિસ્થિતી બાદ સરેરાશ 15 ઇંચ પાછોતરો વરસાદ થતાં બીજા પડાવમાં વાવેલી મગફળી, કપાસ, એરંડિયા જેવા પાકને વરસેલા કાચા સોનાએ રાહત આપી છે.

તેના થકી પચાસ ટકા વળતર મળવાની આશા બંધાતા પ્રથમ તબક્કામાં સર્જાયેલી દુષ્કાળ રૂપી આફત વેળાએ તલના પાકમાં ખમવી પડેલી નુકસાની સરભર થવાની તકો સર્જાઈ છે. ઉપરાંત ચોમેરથી ખેડૂતોએ દર્શાવેલા મત મુજબ પાછળથી થયેલી મેઘમહેર થકી સમગ્ર પંથકમાં હરિયાળું ઘાસ ઉગી નીકળતાં ચોપગા પશુઓ માટે ચરિયાણની પૂર્તિ થશે.તેમજ રાજ્યમાં સર્વત્ર વરસાદ થકી ઘાસચારાની અછત ટળી જતાં માલધારી વર્ગ તથા પાંજરાપોળો પર આવનારી આફત ટળી જતાં આગામી દિવાળીના તહેવારો સારા જવાની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...