રોષ:મુન્દ્રાના બેરાજા-બાબિયા ગામની સીમમાં ચાર પવનચક્કીઓની સ્થાપનાથી ગ્રામજનોમાં રોષ

મુન્દ્રા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયત ને વિશ્વાસમાં લીધા વિના સરકારી જમીનમાં ગતિવિધીઓ આરંભાઈ હોવાનો આક્ષેપ

સમગ્ર કચ્છ જિલ્લામાં પવનચક્કીઓ ધમધમતી થતાં ચોમેરથી વિરોધના અહેવાલો સાંપડ્યા છે ત્યારે મુન્દ્રા તાલુકાના બેરાજા અને બાબિયા સીમમાં વીજ ઉત્પાદન માટે પવનચક્કીઓનું આરોપણ કરવામાં આવતાં ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બેરાજા બાબિયા જૂથ ગ્રામપંચાયત હસ્તકના વિસ્તારના સર્વે ન 41,72,83 અને 130 વાળી જમીનમાં ચાર જગ્યાએ શ્રી ઓસ્ટ્રો એનર્જી પ્રા લી (રીન્યુ પાવર)કંપની દ્વારા પવનચક્કી સ્થાપિત કરવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.જે સંદર્ભે ગ્રામજનોએ રહેણાંક ની નજીક ઘોંઘાટ કરતા ચરખાઓ ધમધમી ઉઠતાં તેમનું જનજીવન પ્રભાવિત થયું હોવાની લાગણી દર્શાવી તેના થકી છાશવારે પક્ષીઓ મોતને ભેટતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

વિશેષમાં કંપનીના સંચાલકો બિનઅધિકૃત પણે ગૌચર જમીન નો રસ્તા માટે ઉપયોગ કરતા હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો.અને ટૂંક સમયમાં જો જવાબદાર વીજ કંપની દ્વારા સરકારી માર્ગદર્શિકાનો ઉપયોગ ન કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સંલગ્ન ખાતાઓ પાસે પરવાનગી લીધા વિના પવનચક્કીઓ ખોડી નંખાઈ
ઉપરોક્ત મુદ્દે બેરાજા બાબિયા જૂથ ગ્રામપંચાયતના મહિલા સરપંચ રમીલાબેન મહેશ્વરી ના પતિ લાલજીભાઈ મહેશ્વરીએ ગ્રામપંચાયત દ્વારા કંપનીના જવાબદારોને નોટિસ પણ પાઠવાઈ હોવા બાબત થી માહિતગાર કરતાં સ્થાનિક સત્તામંડળ કે કોઈ પણ સંલગ્ન ખાતા પાસે પરવાનગી લીધા વિના પવનચક્કી કાર્યવિન્ત કરી નાખવામાં આવી હોવા બાબતને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...