રોકડ રિકવર:મુન્દ્રાનો 8 લાખનો ઉઠાવગીર ગાંધીધામની હોટલમાંથી જબ્બે

મુન્દ્રા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CCTV કેમેરા અને બાતમીદારોના આધારે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

મુન્દ્રાના ઝીરો પોઇન્ટ સર્કલ પર ગઈકાલે ધોળા દિવસે બંધ કારમાંથી આઠ લાખ રૂ રોકડની ઉઠાંતરી કરનાર ઉઠાવગીરને જિલ્લાની ક્રાઇમબ્રાન્ચ શાખાએ 24 કલાકમાં ગાંધીધામ ખાતેથી ઝડપી લઇ તેની પાસેથી 7.80 લાખ રોકડ રિકવર કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગત બપોરે 1.15 વાગ્યાના સમયગાળામાં ચિકનશોપના સંચાલકે બેંકમાંથી ઉપાડી ક્રેટા કારમાં રાખેલ આઠ લાખ રૂ ભરેલું પ્લાસ્ટીકનું ઝબલું બારીનો કાંચ તોડી ઉઠાવી જનાર આરોપી પાછળ સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. મુન્દ્રાના પરા સમાન બારોઇના સોસાયટી વિસ્તારમાં રહેતો અને અગાઉ જુગાર અને પ્રોહિબિશન ધારા તળે પોલીસ ચોપડે ચડી ચુકેલો રવિનકુમાર ઉર્ફે રવિન સુરેશભાઈ લાલકા (ઉ.વ.29 રહે જૈન નગર-મુન્દ્રા)એ બનાવને અંજામ આપતા પહેલાં સિફતપૂર્વક રેકી કરી હતી. પરંતુ ચોરી કરતી વખતે તે ઘટના સ્થળની આજુબાજુની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. તેના આધારે સ્થાનિક પોલીસના સહયોગથી ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ ઉપરાંત બાતમીદારોને કામે લગાડતાં રવિ ગાંધીધામ તરફ નાસ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી.

અંતે મોબાઈલ લોકેશન ટ્રેસ કરી પોલીસે તેને ગાંધીધામ સ્થિત મધુબન હોટલ માંથી દબોચી લીધો હતો. અને તેની પાસેથી ચોરી થયેલ આઠ લાખ પૈકી 7.80 લાખ રોકડ રિકવર કરી ચોરીમાં વપરાયેલ બાઈક ઉપરાંત 3000ના મોબાઈલની જપ્તી સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ એમ ગોહિલ પીએસઆઇ આઈ એસ હિંગોરા તથા મુન્દ્રા પીએસઆઇ સામત મહેશ્વરી સાથે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...