આગોતરી સાવચેતીના પગલાં અનિવાર્ય:મુન્દ્રા પંથક આગામી દિવસોમાં વાયુ પ્રદુષણની લપેટમાં આવવાની શક્યતા

મુન્દ્રા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્વાસને લગતા રોગો ન થાય તે માટે આગોતરી સાવચેતીના પગલાં અનિવાર્ય બન્યા

હાલ વાહજનક તાવે સમગ્ર મુન્દ્રા પંથકને બાનમાં લીધો છે ,પ્રતિદિન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીમાં સપડાતા દર્દીઓનો સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે તેની પાછળ ચોમેર ફેલાયેલી ગંદકી અને તેમાં થતો મચ્છરોનો ઉપદ્રવ મોટી માત્રામાં કારણભૂત હોવાનું ચિત્ર ઉપસ્યું છે.ત્યારે આગામી સમયમાં વાયુ પ્રદુષણ ને કારણે તાલુકાવાસીઓ શ્વાસ અને ચામડી સંબધિત રોગોની લપેટમાં આવે તેની પ્રબળ શક્યતાઓ વચ્ચે પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં આગોતરા લેવાય તે અનિવાર્ય બન્યું હોવાનો મત પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રવર્તતો જોવા મળ્યો છે.

હાલ તાલુકા મથક મુન્દ્રા મધ્યે વસ્તી વધારા ને અનુલક્ષી ને સાંકડી બજારોથી લઇ બારોઇ જેવા પહોળા રોડ પર શાકભાજી તેમજ નાસ્તાની લારીઓ ઉપરાંત ખુલ્લા રેસ્ટરન્ટો એ ભારે પ્રમાણમાં પથારો પાથર્યો છે.સુધરાઈના મતલક્ષી નરમ વલણ અને તેમની ખુદની નૈતિકતા ના અભાવે તેઓ માર્ગ પર મનફાવે તેમ ગંદકી કરી મચ્છરોને સ્પષ્ટ આમંત્રણ આપે છે.જેની અવળી અસરો આજ પ્રજા મચ્છર જન્ય તાવ રૂપે ભોગવી રહી છે.જયારે બીજી તરફ ધ્રબ,ટૂંડા,સીરાચા,લાખાપર,કુંદરોડી,મોખા,વડાલા,ભદ્રેશ્વર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સરેઆમ પ્રદુષણ ઓકતી કંપનીની ચીમનીઓ થકી મોટા ભાગના વૃક્ષો પર ફેલાયેલી કાળી મેષ અને હાનિકારક રજકણોનો જથ્થો આગામી સમયમાં બીમારીઓની વિપદા અંગેની ચાડી ખાય છે.

ઉપરાંત તેમાં ઔદ્યોગિક વિકાસને પગલે ધુમાડો ઓકતા વાહનો વધારો કરે છે . આજની તારીખમાં ખાનગી દવાખાનાઓમાં કોઈ પણ ઘડીએ નજર આવતાં ફેફસાં તથા ચામડીને લગતી બીમારીઓના દર્દી નો ઘસારો તેનો જીવંત પુરાવો છે.ત્યારે પ્રશાસન તરફથી ભવિષ્યને લઈને લોકહિતમાં રક્ષિત માર્ગદર્શિકા ઘડી કાઢવાનો સમય પાકી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...