કારકિર્દી:ઔદ્યોગિક હબ બનેલું મુન્દ્રા નગર શિક્ષણક્ષેત્રે પછાત

મુન્દ્રા2 વર્ષ પહેલાલેખક: રાહુલ દાવડા
  • કૉપી લિંક
  • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અભાવે પરપ્રાંતિય અધિકારીઓ સ્થાનિકે વસવાટ કરવા મોઢું મચકોડે છે: છાત્રોને કારકિર્દી કંડારવા માટે અહીં આટીઆઇ માત્ર વિકલ્પ

ભૂકંપ બાદ મુન્દ્રા નગરે ઔદ્યોગિક વિકાસની અકલ્પનિય હરણફાળ ભરતાં સ્થાનિકે ખાનગી નર્સરીઓ તથા માધ્યમિક શાળાઓનો રાફડો તો ફાટી નીકળ્યો પણ હજી ઉચ્ચ શિક્ષણના અભાવે ઔદ્યોગિક હબ બનેલું નગર શૈક્ષિણક ક્ષેત્રે કાશી તરીકે સ્થાપિત થવાથી જોજનો દૂર હોવાનું ચિત્ર નજર સમક્ષ તરી આવ્યું છે.

હાલ મુન્દ્રા બંદર પર ફરજ બજાવતા પરપ્રાંતિય ઉચ્ચ અધિકારીઓ તથા મધ્યમ વર્ગના કર્મચારીઓએ રોજગાર અર્થે સ્થાનિકેની ધરાને કર્મભૂમિ તરીકે તો સ્વીકારી પરંતુ તેઓ હજી પણ શૈક્ષિણક ક્ષેત્રે બાળકોના ભવિષ્યને લઈને અહીં વસવાટ કરવામાં મોઢું મચકોડે છે ત્યારે નગરની શિક્ષણ યાત્રા પર નજર કરીએ તો વિકાસ પહેલા ચાર હજારની વસ્તી ધરાવતા ગામમાં 1908ની સાલમાં શિક્ષણ ક્ષેત્રે નામાંકિત એક માત્ર એવી આરડી એજ્યુકેશન ટ્રસ્ટે શેઠ આરડી પ્રા શાળાથી સંસ્થાના શ્રીગણેશ કર્યા. ત્યાર બાદ જરૂરિયાત મુજબ 1948માં ઉચ્ચતર માધ્યમિક શાળા4 સ્ત્રી શિક્ષણને નજરમાં રાખીને 1980માં સીકેએમ કન્યાવિદ્યાલય તબક્કાવાર બીએડ કોલેજ લખમશી નપુ પીટીસી કોલેજ, એન્કરવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને મધુબાલમંદિર સુધી પોતાનું ફલક વિસ્તાર્યું. 2001ના ધરતીકંપ પછી સમગ્ર પંથકમાં ઉદ્યોગો છવાઈ જતાં આગાખાન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉપરાંત સેન્ટ ઝેવિયર્સ જેવી મિશનરી શાળાઓએ પણ આગમન કર્યું. પરંતુ સ્નાતક કક્ષાએ પહોંચતા તમામ સંસ્થાઓને બ્રેક લાગી ગયો. હાલ સરકાર સંચાલિત આઈટીઆઈ સિવાય છાત્રોને કારકિર્દી કંડારવા કોઈ વિકલ્પ ન બચતાં ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું પડતું હોવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા શૈક્ષિણક ક્ષેત્રે ખૂટતી કડીઓ અંગે શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞો નો અભિપ્રાય લેવાનો પ્રયાસ કર્યો છે.

ગુણવતાયુક્ત શિક્ષણ આપતા સંસ્થાનોની પ્રખર માંગ
વર્ષોથી બીએડ કોલેજમાં સેવા આપી સમગ્ર જિલ્લાને શિક્ષણવિદોની ભેટ આપવામાં મહત્વનો ફાળો આપનાર બીએડ કોલેજના આચાર્ય ડો લાલજીભાઈ ફ્ફ્લે અત્યાર સુધી સમગ્ર તાલુકો આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાનો પર નિર્ભર હોવાની લાગણી સાથે હવે નગરને સમયની માંગ મુજબ કેન્દ્રીય કે આંતરાષ્ટ્રીય બોર્ડ સાથે જોડાયેલી ગુણવત્તાસભર શિક્ષણ આપતી શાળાઓની જરૂરિયાત ઉભી થઈ હોવા પર ભાર મૂકી વિજ્ઞાન અને ટેક્નિકલ પ્રવાહના ઉચ્ચ શિક્ષણની ઉણપ હોવાનું જણાવ્યું હતું.વિશેષમાં આગામી સમયમાં પણ અંગ્રેજી માધ્યમમાં આર્ટ્સ,કોમર્સ,સાયન્સ,વ્યવસ્થાપન વગેરે વિદ્યા શાખાઓ ધરાવતી સંસ્થાઓની માંગ ઉભી થશે.અને તેમના આગમન બાદ જ સમગ્ર પંથકે વિકાસ કર્યો હોવાનો આત્મસંતોષ લઇ શકવાની લાગણી વ્યક્ત કરી હતી. > ડો લાલજીભાઈ ફફલ, આચાર્ય-બીએડ કોલેજ

સામાન્ય પ્રવાહની ઉ.મા સરકારી શાળાની ખોટ વર્તાય છે
મુન્દ્રા તાલુકા મથક હોવા છતાંય અહીં સરકારી છાત્રાલય ઉપલબ્ધ છે પરંતુ પાયાની સુવિધા સમાન સામાન્ય પ્રવાહ ની ઉચ્ચતર માધ્યમિક શાળાની ખોટ વર્તાતી હોવાની લાગણી દર્શાવતા સીકેએમ કન્યા વિદ્યાલયના આચાર્ય હિનાબેન જાનીએ નગરના વિકાસની સાથે વસ્તીમાં સતત ઉછાળો થઇ રહ્યો છે ત્યારે સમગ્ર તાલુકાની છાત્રાઓને ફક્ત ગ્રાન્ટેડ સીકેએમ વિદ્યાલય પર નિર્ભર રહેવું પડતું હોવા બાબત પર પ્રકાશ ફેંક્યો હતો.વિશેષમાં તગડી ફી લેતી ખાનગી શાળાઓ તો ખુલી પણ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને તેની ફી પરવડે એમ ન હોવાથી તેઓ જાય ક્યાં નો અણિયાળો સવાલ કરતાં રાજકીય પ્રતિનિધિઓને સૂચિત દિશામાં પ્રયાસ કરી વિકાસને ખરા અર્થમાં સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. > હિનાબેન જાની,આચાર્ય સી કે એમ કન્યા વિદ્યાલય

ટેક્નિકલ તથા કલાક્ષત્રે પ્રશિક્ષણ આપતી શાળાઓની આવશ્યકતા
હાલ પરપ્રાંતિય હિન્દીભાષીઓ મોટી સંખ્યામાં આવી ને વસ્યા છે ત્યારે સ્થાનિકે ટેક્નિકલ તથા વ્યાપારિક પ્રશિક્ષણ આપતી ડિપ્લોમા,મેડિકલ,હોટેલ મેનેજમેન્ટ,લો કોલેજ જેવા સંસ્થાનોની તાતી જરૂર હોવા બાબત થી માહિતગાર કરતાં આર ડી હાઈસ્કૂલના આચાર્ય સ્નેહલ
વ્યાસે ભવિષ્યમાં કલાક્ષેત્રે સંગીત,ગાયકી,નૃત્ય, ફોટોગ્રાફી વગેરેની તાલીમ આપતી શાળાઓની આવશ્યકતા હોવા પર ભાર મુક્યો હતો. > સ્નેહલ વ્યાસ -આચાર્ય,આર ડી હાઈસ્કૂલ

અન્ય સમાચારો પણ છે...