જમીન કૌભાંડ મુદ્દે અંતે:મુન્દ્રા બારોઇ પાલિકાએ 37 મિલકતોની આકારણી રદ કરતો ઠરાવ પસાર કર્યો

મુન્દ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર પંથકમાં બહુ ગાજેલા 80 કરોડના જમીન કૌભાંડ મુદ્દે અંતે
  • વિપક્ષી કાઉન્સિલરોએ જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનું શસ્ત્ર પણ ઉગામવાની માંગ કરી

સમગ્ર પંથકમાં બહુચર્ચિત બનેલા 80 કરોડના જમીન કૌભાંડ સંદર્ભે અંતે મુન્દ્રા બારોઇ સુધરાઇએ બારોઇની હદમાં આવેલી સાત અને મુન્દ્રાની ત્રીસ મળી કુલ્લ 37 મિલકતો ની આકારણી રદ કરવાનો ઠરાવ પસાર કરતા હાલ પૂરતો ચગેલા વિવાદનો તાલુકા સ્તરે અંત આવ્યો હતો.

મુન્દ્રા બારોઇ સુધરાઈનું ગઠન થયા પછી યોજાયેલી બીજી સામાન્ય સભાને રાષ્ટ્રગીત અને કચ્છના રાજવી પરિવારના પ્રાગમલજી ત્રીજાના નિધન બદલ મૌન પાડ્યા બાદ ચીફ ઓફિસર સાગર રાડીયા ઉપરાંત સત્તાપક્ષ અને વિપક્ષના કાઉન્સિલરોની ઉપસ્થિતીમાં સુધરાઈના પ્રમુખ સ્થાનેથી યોજાયેલી સભામાં કિશોરસિંહ પરમારે સર્વાનુમતે ઉપરોક્ત ઠરાવ પસાર કર્યાનું વાંચન કરતા એક તબક્કે પાલિકા ભવન તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું.

પરંતુ ત્યારબાદ વિપક્ષી સદસ્ય ઇમરાન જતે આકારણી રદ કરવા ઉપરાંત ગેરકાયદેસરની ગતિવિધિઓ કરનાર જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી રૂએ કાર્યવાહી કરવાની માંગ કરતા સીઈઓ અને પ્રમુખે તે તેમની સત્તામાં ન હોવાનો પાંગળો બચાવ કર્યો હતો. ત્યારે હવે સમગ્ર પ્રકરણનો દારોમદાર જિલ્લા પ્રશાસનના હાથમાં હોવાનું સ્પષ્ટ થયું છે.

સૂચિત મુખ્ય મુદ્દા સિવાય અદાણી ફાઉન્ડેશન દ્વારા સુધરાઈને અપાયેલા જેસીબી મારફતે પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે તળાવો અને હયાત ગટરો પરથી બાવળોની સફાઈ, પાણી અને ગટરના ભૂતિયા કનેક્શનોનો સર્વે,ગટર ઉપરના દબાણો દૂર કરવા, સાર્વજનિક પ્લોટોમાં પાણીના ટાંકાઓ તબ્દીલ કરવા સમેત રાજકોટની સૌજાણી કન્સ્ટ્રક્શન નામની એજન્સી હસ્તક વિકાસકામોનું મોનીટરીંગ વગેરે ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા.

ત્યારે વિપક્ષી સદસ્ય કાનજી સોંધરાએ રોડ લાઈટ, ગટર,અને સફાઈના કામો પક્ષના મળતિયાઓને આપી મોટો ભ્રસ્ટાચાર કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો સંતોષકારક જવાબ આપવાનું ટાળી સભા સમાપ્ત જાહેર કરાઈ હતી.

માતબર ખર્ચે પાલિકા ભવન અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાશે
વિશેષમાં સરકાર દ્વારા પાલિકા ભવનના નવનિર્માણ માટે રૂા.એક કરોડની ગ્રાંટ ફાળવતા હવે પીપલેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલી સુધરાઈની માલિકીની જમીનમાં નવી ઇમારત ઉભી કરાશે. તેમજ પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસ કાર્યોની બોણી તરીકે શ્યામા પ્રસાદ રૂબર્ન પ્રોજેક્ટ અંતર્ગત પાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્લેક્ષની માંગ કરવાનો ઠરાવ પ્રાથમિક તબક્કે પસાર કરાયો છે.

આમ આદમી પાર્ટીની માંગો અને વિરોધ માત્ર સોશિયલ મીડિયા પૂરતો !
સ્થાનિકે અસ્તિત્વ ઉભું કરવા જજુમી રહેલી આમ આદમી પાર્ટી લોકોને સ્પર્શતા મુદ્દાઓને અનુલક્ષીને સત્તાપક્ષ સામે માંગો રાખી પોતાનો વિરોધ તો પ્રદર્શિત કરે છે, પરંતુ સામાન્ય સભા વેળાએ તેનો એક પણ પ્રતિનિધી પાલિકા ભવન પાસે ન ડોકાતાં તે માત્ર સોશિયલ મીડિયા પૂરતો સિમીત અને ડિજિટલ રહેતો હોવાની ચર્ચાઓ ઉઠી હતી.

જમીન પ્રકરણ મુદ્દે સુધરાઇએ પ્રથમ અદાલતમાં કેવિએટ દાખલ કરવી જોઈતી હતી
સામાન્ય સભામાં વિરોધ પક્ષની દલીલો વચ્ચે નગરના બુદ્ધિજીવી વર્ગમાં થતા ગણગણાટ મુજબ આકારણી રદ કરવાનો ઠરાવ ભ્રસ્ટાચાર મુક્ત વહિવટની દિશામાં પ્રથમ પગથિયાં સમાન છે. અગર પાલિકાના શાસકો પારદર્શિતા જાળવત તો ઠરાવ રદ કરવાની સાથે તેમણે અગાઉથીજ કેવિયેટ દાખલ કરવી જોઈતી હતી જેથી ગેરકાયદેસરની ગતિવિધિઓ કરનારા જો અદાલતની વાટ પકડાટ તો તેમને સ્ટે ન મળે.

અન્ય સમાચારો પણ છે...