કામગીરી:મુન્દ્રામાં લારીધારકોને કાયમી ધોરણે જૂની હડ્ડાખુડી માં ખસેડવાનો માસ્ટર પ્લાન તૈયાર

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માથાના દુખાવા રૂપ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે
  • રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ સુદ્ધાં ની વૈકલ્પિક વ્યવસ્થા સાથે દિવાળી બાદ યોજના અમલમાં મુકવાની તડામાર તૈયારી

મુન્દ્રા બારોઇ ને સંયુક્ત પણે સુધરાઈ નો દરજ્જો મળ્યાના એક વર્ષ બાદ નગરજનો ની સુખાકારી માટે પ્રથમ ચરણ ના શ્રીગણેશ થવાના સંજોગો નિર્માણ પામ્યા છે .જે મુજબ વર્ષોથી લોકો માટે માથાના દુખાવારૂપ બનેલી ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવાના ભાગરૂપે મુન્દ્રા થી બારોઇ રોડ સુધી ચોમેર નજર આવતા લારીધારકો નું કાયમી ધોરણે સ્થળાંતર કરવાનો એક્શન પ્લાન સુધરાઈ દ્વારા ઘડાઈ ચુક્યો છે.

સત્તાવાર માહિતી મુજબ ટ્રાફિક ને અડચણ રૂપ બનતો નગરના કોટ અંદરનો ટીએમ શેઠ ચોકથી બકાલા માર્કેટ અને ઉદ્યોગોના આગમન બાદ અત્યંત વિકસેલા બારોઇ રોડ વિસ્તારમાં ડગલે ને પગલે નજર આવતા શાક બકાલા તેમજ ખાણી પીણી ની વસ્તુઓનું વેંચાણ કરતા લારીધારકો ને જૂની હુડ્ડાખુડી સ્થિત પાંજરાપોળ વાડીના પૂર્વ પટ્ટામાં કાયમી ધોરણે ખસેડવાની ગતિવિધીઓ હાથ ધરાઈ ચુકી હોવા બાબત પર પ્રકાશ પાડતાં પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે તે અનુસંધાને પાંજરાપોળ સંસ્થા સાથે બેઠક કરી સંસ્થાના ટ્રસ્ટીઓની સંમતિ લેવાઈ ચુકી હોવાનું જણાવી દિવાળી બાદ યોજના અમલમાં મુકવાની લાગણી દર્શાવી હતી.

વર્ષોથી લારી પર ધંધો કરતી વ્યક્તિઓના ચયન માટે સુધરાઈના ચૂંટાયેલા સદસ્યોની એક સમિતિ બનાવાઈ હોવાથી અવગત કરતાં કારોબારી ચેરમેન ડાયાલાલ આહીરે તેમને ટોકન દરે ભાડા પટ્ટા રૂપે સર્વે કર્યા બાદ નિયત વિસ્તારનો બાંકડો ફાળવવા સંદર્ભે માહિતગાર કરી તેનાથી નગરને અડચણરૂપ મોટા ભાગની ટ્રાફિક સમસ્યા હલ થવા પર ભાર મુક્યો હતો.વિશેષમાં દિવાળીના સપરમા તહેવારો બાદ માસ્ટર પ્લાન પર અમલવારી કરવા નો સૂચક નિર્દેશ વ્યક્ત કર્યો હતો.

ટેક્સી અને રીક્ષા સ્ટેન્ડ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ
બસ સ્ટેન્ડ પાસે ઘણા સમયથી રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ આવેલા છે.બસોની અવર જવર વેળાએ આ બંન્ને ચાડીકાઓ અવરોધરૂપ બનતા હોવાથી રોજ બરોજ ટ્રાફિક જામ ની સમસ્યા ઉદ્દભવતી હતી જેને હળવી કરવા બંન્ને વાહનો માટે પાંજરાપોળ પટ્ટામાં વૈકલ્પિક સ્ટેન્ડ ઉભું કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુર્જર સમાજે ગામના હિતમાં પોતાના કાચા વાડા નું બલિદાન આપ્યું
સૂચિત જમીન પર વર્ષોથી ગુર્જર સમાજની વિવિધ વ્યક્તિઓના કાચા વાડા આવેલા હતા.પરંતુ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થતી હોય તો ગામ ના હિતમાં કાચા વાડાઓ નું બલિદાન આપવાનો કોલ સુધરાઈના સત્તાધીશોની ઉપસ્થિતીમાં ગુર્જર સમાજના પ્રમુખ હરિ વિરમ ગોહિલે આપી લોકલક્ષી કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...