તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન કૌભાંડ:મુન્દ્રાની ચાર મિલકતોના દસ માલિકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગાળિયો કસવાની તૈયારી

મુન્દ્રા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોગંદનામાના આધારે થયેલા 80 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડ મુદ્દે
  • સુધરાઈ સત્તાધીશોના પ્રયાસો થકી જિલ્લા સમાહર્તાએ નોટિસ પાઠવી સંલગ્ન દસ્તાવેજો રજુ કરવાનો આદેશ કર્યો

મુન્દ્રા બારોઇ ને સંયુક્ત નગરપાલિકાનો દરજ્જો મળતાં ચૂંટાયેલી બોડી સતા પર આવે તે પહેલા ચીફ ઓફિસરના ત્રણ માસના શાસનકાળ દરમ્યાન મુન્દ્રા બારોઇ વિસ્તારની સાડત્રીસ મિલ્કતો ફક્ત સોગંદનામાના આધાર પર જમીન માફિયાઓના નામે ચડાવી દઈ 80 કરોડથી પણ વધારે કહી શકાય તેવા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો.જે સંદર્ભે ચાર મિલકતોમાં સંડોવાયેલા દસ જમીન માલિકો વિરુદ્ધ જિલ્લા સમાહર્તાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સબબની નોટિસ જારી કરી તેમને સંલગ્ન દસ્તાવેજો રજુ કરવાનો આદેશ આપતાં ઔદ્યોગિક નગરીની ડેવલોપર્સ લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ દસ માસ અગાઉ મુન્દ્રા બારોઇને સુધરાઈનો દરજ્જો મળતાની સાથે જ સંપૂર્ણ કૌભાંડના શ્રીગણેશ થયા હતા.અને ફક્ત સોગંદનામા ના આધારે સરકારી સંપદા ગણાતા કરોડોની કિંમતના વાડાઓ રજીસ્ટર સાથે ચેડાં કરી જમીન માફિયાઓને ધરી દેવામાં આવ્યા હતા.ત્યારબાદ ચૂંટણી સંપન્ન થતાં પાલિકા પર ભાજપ પ્રેરિત બોડીનું શાસન પ્રસ્થાપિત થયું હતું.અને જિલ્લા પ્રસાશનના કૌભાંડ સંદર્ભે અક્કડ મૌન વચ્ચે 1/6/2021ના મળેલી પાલિકાની પ્રથમ સામાન્યસભામાં વિરોધપક્ષના હોબાળા તથા આક્ષેપોની વણઝાર જેલી સુધરાઈના શાસકોએ 37 કૌભાંડી મિલકતોની આકારણી રદ કરતો ઠરાવ પસાર કર્યો હતો.

વિશેષમાં ભ્રસ્ટાચારના કથિત આરોપો બાદ પણ 1/9/21 ના રોજ સુધરાઇએ સંનિષ્ઠપણે કલેક્ટર સમક્ષ કૌભાંડી જમીન સંબધિત અહેવાલ રજુ કરી જવાબદારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ નું હથિયાર ઉગામવાની માંગ કરતાં આજે જિલ્લા સમાહર્તાએ તાલુકા એકઝીકયુટીવના માધ્યમથી ચાર મિલકતોના દસ જમીન ધારકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની નોટિસ ઇસ્યુ કરી જરૂરી સંલગ્ન દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ કર્યો છે.

37 પૈકી બાકીની મિલકતો વિરુદ્ધ પણ કડક વલણ અપનાવશું -સુધરાઈ પ્રમુખ
પાલિકા કચેરી ખાતેથી સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમાર કારોબારી ચેરમેન ડાયાલાલ આહિર અને સમગ્ર બોડીએ દિવ્ય ભાસ્કરને માહિતગાર કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સહયોગથી સમગ્ર બોડી દ્વારા ઉપરોક્ત સંદર્ભે કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હોવાના સકારાત્મક પરિણામો સાંપડ્યા હોવાની લાગણી દર્શાવતાં હાલ ચાર કૌભાંડી મિલકતો કાયદાના સાણસામાં સપડાઈ હોવા સાથે આગામી સમયમાં 37 પૈકીની અન્ય જમીનો સામે પણ કડક રૂએ કામગીરી કરવાની નેમ વ્યક્ત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સૂચિત ચાર જમીન ધારકોએ જમીનની વેંચ સાટ કરી નાંખતા તે જમીનો પર હાલ જોર શોરથી બાંધકામ ચાલુ હોવાના અહેવાલ સાંપડ્યા છે.

જેમની વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરાઈ છે તે જમીન ધારકો ના નામ
ઉપરોક્ત ચાર મિલકતો પૈકી દસ જમીન માલિકોને નોટિસ બજવણીનો આદેશ કરાયો છે તેમના નામ 1-શિવરાજ કિશનભાઇ બારોટ 2- રિપાબેન તુલસીગર ગોસ્વામી 3-મગન પંચાણ સોંધરા 4-જત હલીમાબાઈ હસનઅલી 5-મોહંમદઅમીન અનવરહુસેન ખત્રી 6-મનોજ નરોત્તમ ચાવડા 7-સથવારા નાગજી અલી 8- પ્રેમકુમાર મગનભાઈ સોંધરા 9-આદમભાઇ ઇબ્રાહીમભાઇ હજામ 10-શકીલ આમદભાઈ હજામ

અન્ય સમાચારો પણ છે...