અકસ્માત:નાના કપાયા ધોરીમાર્ગ પર ટ્રેલરની હડફેટે દાદી પૌત્ર કાળનો કોળિયો બન્યા

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસ્તો ક્રોસ કરી ચા પીવા જતા આધેડ મહિલાને ટ્રેલર રિવર્સ લેતી વેળાએ ચાલકે ચગદી નાખ્યા

મુન્દ્રાના પરા સમાન ઔદ્યોગિક વિસ્તાર નાના કપાયા મુકામે ટ્રેલરની હડફેટે ચડેલા દાદી પૌત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થતાં તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.પોલીસ દફતરેથી ભોગગ્રસ્ત વૃધ્ધ મહિલાના પુત્ર કસના જોગડા સિગાડીયા (ઉ.વ.26 રહે સુંદરમ પાર્ક-બારોઇ મૂળ બલવન -એમપી)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત બનાવ શનિવારે સવારે 10.45ના સમયગાળા દરમ્યાન નાના કપાયા સ્થિત શાંતિવન કોલોની પાછળના અદાણી ન્યૂપોર્ટ રોડ પર બન્યો હતો.

જેમાં બનાવ સ્થળની સામેની ઇમારતમાં મજૂરી કામ કરતા મંગલી જોગડા સિગાડીયા (ઉ.વ.60 રહે પુત્ર સાથે) તેમના પૌત્ર અર્જુન કસના સિગાડીયા (ઉ.વ.6)ને કુખે તેડીને રોડ ક્રોસ કરી સામેની હોટલમાં ચાય પીવા જતા હતા. ત્યારે જી.જે. 12 બીવી 6682 નંબર ના ટ્રેલરે રિવર્સ લેતી વખતે બંન્ને દાદી પૌત્રને હડફેટે લઇ ચગદી નાખ્યા હતા. બનાવને પગલે માથાના ભાગે ઇજજાઓ થતાં બંન્નેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દર્જ કરી ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે.

અંજારના ભીમાસરમાં હિટ એન્ડ રન : બોલેરો ચાલકે યુવાનને હડફેટે લેતા મૃત્યુ
અંજાર તાલુકાના ભીમાસર ગામે ગુરૂવારે સાંજે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ભીમાસર ગ્રામ પંચાયત માર્ગ પર પગે ચાલીને જતા મુળ મધ્યપ્રદેશના રઘુનંદન નામના યુવકને અજાણ્યા બોલેરોના ચાલકે અડફેટે લઇ માથા અને હાથમાં ફેકચર સહિતની ઇજા પહોંચાડી જીપ ચાલક નાસી છુટ્યો હતો. આ દુર્ઘટનામાં યુવકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. હતભાગીના ભાઇ જયપ્રકાશ જમનલાલ પુરોહિતે અંજાર પોલીસ મથકે જીપ ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કપાયામાં ટ્રેલર ચાલક વાહન મૂકી સ્થળેથી ફરાર
અત્રે ઉલ્લખનીય છે કે પોર્ટ રોડ પર રાસાપીર સર્કલ થી નાના કપાયા સર્કલ સુધીનો વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. અત્રે સમયાંતરે થતી અકસ્માતની ઘટનાઓમાં મોટા ભાગે ચાલક વાહન કે વ્યક્તિઓને ટક્કર મારી પલાયન થઇ જતા હોવાનું સપાટીએ તરી આવ્યું છે. ત્યારે ઉપરોક્ત કિસ્સામાં તપાસનીશ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજાએ પણ ગમખ્વાર અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવા પર પ્રકાશ પાડી હવે વાહનના નંબર પરથી તેનું પગેરું દબાવાની ગતિવિધી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...