બારોઇ હત્યા કેસ:યુવાનના મર્ડરનો ભેદ 20મા દિવસે અકબંધ, પાંચ પોલીસકર્મીઓની સીટ રચાઈ

મુન્દ્રા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુકાનીધારી શખ્સને શોધવામાં પણ નિષ્ફળતા

મુન્દ્રાની ભાગોળે ગણતંત્ર દિનની ઢળતી સાંજે 19 વર્ષીય નવલોહિયા યુવાનની ગળું કાપી ઠંડે કલેજે હત્યા કરાયાના બનાવને આજે 20 દિવસનો સમયગાળો વિત્યા છતાં પોલીસના હાથ આરોપીના ગિરેબાન સુધી પહોંચી નથી. હત્યાનું રહસ્ય વધુ ઘેરું બનવા સાથે વિરોધમાં ઉતરી આવેલા સર્વ સમાજના લોકોની આતુરતામાં વધારો થયો છે.પ્રાપ્ત માહિતી મુજબ સનસનીખેજ ઘટનાના પ્રારંભિક દિવસથી જ સ્થાનિક પોલીસ સાથે જિલ્લા પોલીસે હતભાગી મૃતક દેવેન્દ્રસિંહ જ્યાં છેલ્લે દેખાયો હતો તે બારોઇ રોડ સ્થિત સીસીટીવી ફૂટેજના આધાર પર આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું.

પછી તેના બે દિવસ બાદ આકસ્મિક રીતે ભોગગ્રસ્તના ઘરે ચોરી થતાં નજીકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બુકાનીધારી ઈસમે દેખાવ દેતાં પોલીસે તેને ફોલો કર્યો હતો તેમ છતાં પણ આજ સુધી આરોપીને દબોચવામાં નિષ્ફ્ળ ગઈ છે. ત્યારે હવે પાંચ પોલીસકર્મીની બનેલી સીટ રચી ગુપ્ત રૂએ તપાસ આગળ વધી રહી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

જે-તે સમયે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, હતભાગી દેવેન્દ્રસિંહ નાણા વ્યાજે આપતો હતો જેથી આ મુદ્દો પણ હત્યા પાછળ કારણભૂત હોઇ શકે તો સ્ત્રીપાત્રની ભૂમિકા તરફે પણ શંકાની સોય સાધવામાં આવી હતી. અલબત પોલીસની તપાસ, ઉપરી અધિકારીઓના માર્ગદર્શન છતાં આજ દિન સુધી હત્યા કેસનો ભેદ તો ઠીક ત્યાં સુધી પહોંચવામાં નક્કર કડી પણ પશ્ચિમ કચ્છ પોલીસને મળી નથી.

ક્ષત્રિય સમાજે પોલીસ તંત્રને આપેલા અલ્ટીમેટમનો પણ કાલે છેલ્લો દિવસ
ઉપરોક્ત બનાવના ક્ષત્રિય સમાજમાં ઘેરા પડઘાં પડતાં ગત 8 ફેબ્રુઆરીના રોજ અન્ય સમાજોના સમર્થન સાથે મુન્દ્રા પોલીસ મથકનો ઘેરાવ કરી આરોપીને તાત્કાલિક અસરથી દબોચી લેવાની માંગ કરાઈ હતી.અને જો દસ દિવસમાં આરોપી હાથ ન લાગે તો જિલ્લા અને રાજ્ય વ્યાપી આંદોલન છેડવાનું અલ્ટીમેટમ અપાયું હતું.જેને હવે એક દિવસની અવધિ બાકી રહેતાં પોલીસ ખાતા પર દબાણ વધ્યું છે.

સમગ્ર પ્રકરણમાં 200 થી વધારે લોકોના નિવેદન લેવાયા
બનાવ સંદર્ભે સીટની રચના થઇ હોવા બાબતને સમર્થન આપતાં મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ મિતેષ બારોટે સમગ્ર પ્રકરણમાં 200 થી વધારે વ્યક્તિઓના નિવેદન લઇ અનેકવિધ દ્રષ્ટિકોણથી તપાસને વેગવંતી બનાવાઈ હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. સાથે સાથે જિલ્લા પોલીસના વિવિધ નિષ્ણાંત અધિકારીઓ આરોપીને દબોચી લેવા પસીનો પાડતા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...