કિસાનોની બેઠક:મુન્દ્રા તાલુકાના દસ ગામોના ખેડૂતોએ ભુજપુરથી ગુંદિયાળી સુધી નર્મદા કેનાલનું કામ બંધ કરાવ્યું

મુન્દ્રા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલ માટે સંપાદિત કરાયેલી જમીનના ઉપજાઉ વૃક્ષોનું વળતર ન મળતાં
  • આજે ભુજપુર ખાતે કિસાનોની બેઠક બોલાવી આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાશે

નર્મદા કેનાલ માટે મુન્દ્રા તાલુકાની જમીનો સરકાર દ્વારા સંપાદિત કરાયા બાદ જમીન વળતરના નાણાં નું ચુકવણું તો કરાયું પણ જાહેર કરાયેલ છેલ્લા પરિપત્ર મુજબ ફળાઉ ઝાડ,મકાન કે સિંચાઈને લગતા સાધનો અંગેની સહાય ન ચુકવાતાં મુન્દ્રા તાલુકાના દસ ગામના ખેડૂતોએ હલ્લા બોલ કરી ભુજપર થી ગુંદિયાળી સુધીની કેનાલ નું કામ અટકાવી દેતાં પ્રશાસન હરકતમાં આવ્યું હતું.બનાવને પગલે ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસ અને નર્મદા નિગમના અધિકારીઓએ આજે ભુજપર મુકામે કિસાનોની બેઠક બોલાવી સમસ્યાનું નિવારણ લાવવાની હૈયાધારણ આપતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે.

મુન્દ્રા તાલુકાના જબલપુર ખાતે એકત્રિત થયેલા કિસાનોમાંથી ઘટનાક્રમ અંગે માહિતગાર કરતાં કચ્છ જિલ્લા ના પૂર્વ કોંગ્રેસી મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેનાલ ના નિર્માણ વેળાએ મુન્દ્રા તાલુકાના સમાઘોઘાથી માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ સુધી અંદાજિત દસ ગામોની જમીન સરકાર દ્વારા સંપાદિત કરાઈ હતી.તેમજ કિસાનો પાસેથી તાત્કાલિક અસરથી જમીનનો કબ્જો લઇ યુદ્ધ ના ધોરણે નહેર નું કામ શરુ કરી દેવાયું હતું.પરંતુ ખેડૂતોને મળવાપાત્ર હક ની રકમ આપવામાં સરકાર સુસ્તી દાખવે છે.

આ અનુસંધાને સંબધિત ખાતાઓમાં અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતાં અંતે ભૂમિપુત્રોનો રોષ ભડકી ઉઠ્યો હોવાનું સૌએ એકીસૂરે જણાવ્યું હતું.અને કેનાલ ના કામ પર રોક લગાવ્યા બાદ ગિન્નાયેલા કિસાનોએ 22/11 સુધી કેનાલના બધા કામો અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારતાં હવે સોમવારે નર્મદા નિગમ દ્વારા ભુજપર ખાતે બપોરે એક વાગ્યે કિસાનો ની બેઠક બોલાવાઈ છે .જો તેમાં ખેડૂતલક્ષી નિર્ણય ન લેવાય તો સરકાર સામે આંદોલન છેડવાની લાગણી પ્રત્યેક ભૂમિપુત્ર એ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...