ખેડૂતો ખુશહાલ:ગુંદાલા સુધી નર્મદાના નીર વહેતા થતાં ખેડૂતો ખુશહાલ

મુન્દ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલમાં પાણી છોડી ટેસ્ટીંગ હાથ ધરાયું : ખેતપેદાશોનું ઉત્પાદન બમણું થવાના આનંદ સાથે કેનાલને શ્રીફળ થી વધાવી

જેની મુન્દ્રા તાલુકાનો પ્રત્યેક ખેડૂત ચાતક નજરે રાહ જોઈ રહ્યો હતો તે નર્મદાના નીર આજ બપોરથી મુન્દ્રા પંથકના ગામોની કેનાલમાં વહેતાં થતાં ભૂમિપુત્રો હોંશભેર ઝૂમી ઉઠ્યા હતા.અને કેનાલ પર જઈ ખેતીની જીવાદોરી સમાન પાણીને શ્રીફળ વધેરી વ્હાલો આવકાર આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ બપોરે અગિયાર વાગ્યાના સમયગાળામાં તાલુકાના છેવાડાના વવાર ગામની કેનાલમાં નર્મદા નીરે પ્રવેશ કર્યા બાદ બે કલાકના સમયગાળા બાદ ગુંદાલા સ્થિત કેનાલમાં વહેતું થયા બાદ સાંજે ચાર વાગ્યા સુધી ભોરારા પહોંચ્યું હોવાના અહેવાલ સાંપડ્યા હતા.ત્યારે કેનાલ પર જળને શ્રીફળથી વધાવવા મોટી સંખ્યામાં કિસાનો સાથે પહોંચેલા ગુંદાલા સરપંચ જયેશ આહીરે માહિતી આપતાં જણાવ્યું હતું કે જેની કિસાનો વર્ષોથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે નર્મદા નીરનાં આગમનથી હવે કિસાનોના પાક બમણાં થવાને કારણે તેઓ બે પાંદડે થશે.ઉપરાંત મુન્દ્રા તાલુકાએ ભલે ગમે તેટલો ઔદ્યોગિક વિકાસ કર્યો પણ તે કાયમ ખેતી આધારિત રહ્યો છે.

હવે ખેત પેદાશો ને પણ વેગ મળશે અને તેના થકી પશુપાલન વ્યવસાય પણ ખીલી ઉઠશે .જેથી માલધારી વર્ગ માટે પણ એક આનંદદાયી સાબિત થશે.અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિક આક્રમણ ને કારણે મોટા ભાગે પાક ને 1700 થી 2000 ટીડીએસ વાળું ભૂગર્ભજળ મળતું આવ્યું છે.પરંતુ હવે નર્મદા નું પાલર પાણી અત્યંત ફાયદાકારક સાબિત થવાની લાગણી ખેડૂતોના હસતા મુખે સ્પષ્ટપણે જોવા મળી હતી.

આગામી બે દિવસમાં નર્મદાના નીર ભુજપુર સુધી પહોંચવાના એંધાણ
નર્મદા ની લાઈનમાં અનેક વખત લિકેજ સમેતની અનેક સમસ્યાઓ સર્જાતી હોવાથી ટેસ્ટિંગના ભાગરૂપે મુન્દ્રા માટે છોડવામાં આવેલું પાણી વવાર થી હદમાં થી પ્રવેશી ભદ્રેશ્વર,ભરૂડીયા,વડાલા,છસરા,મોખા,રતાડીયા અને ભોરારા સુધીની કેનાલમાં ફરી વળ્યું છે.ઉપરોક્ત બાબતે માહિતગાર કરતાં કેનાલનું કામ કરનાર લક્ષ્મી કન્સ્ટ્રક્શનના સંચાલક લાલજીભાઈ આહીર અને અરજણભાઈ રબારીએ મુન્દ્રાની હદમાં આવતા પ્રાગપર સુધી હાલ ટેસ્ટીંગ પ્રક્રિયા જારી હોવાનું જણાવી મુન્દ્રા તાલુકામાં કેનાલ અંદાજિત 23 કિમી સુધી પથરાયેલી હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો.અત્રે નોંધનીય છે કે મોટી ભુજપર ખાતે કેનાલનો અંત થયા બાદ આગળ માંડવી તાલુકાની હદ શરુ થાય છે.ત્યાં પણ ટૂંક સમયમાં પાણી પહોંચતું થવાની સંભાવના ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...