વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીક છે ત્યારે મુન્દ્રા ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની તાલીમ શિબિર અંતર્ગત બહોળી સંખ્યામાં ઉપસ્થિત પક્ષના આગેવાનોએ કોંગ્રેસની વિચારસરણી, સ્થાનિક પ્રશ્નો અને તેના ઉકેલ અંગે ચર્ચા કરી ચૂંટણીલક્ષી વ્યૂહરચના કરી રાજકીય લડાઈનો શંખનાદ કર્યો હતો.
કચ્છ સુધી નર્મદા નહેર તો પહોંચી પરંતુ ચૂંટણીઓ વેળાએ તેનો જોરશોરથી પ્રચાર કરતો સત્તાપક્ષ હજી સુધી કિસાનોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફ્ળ રહ્યો હોવા સાથે પોતાના વક્તવ્યને આગળ વધારતાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રામકૃષ્ણ ઓઝાએ હાલની સરકારને ગરીબોની નહીં પરંતુ ઉદ્યોગોની ગણાવતા જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓનું વિસ્તૃત વર્ણન કરી પ્રજાના સમર્થનથી આગામી ચૂંટણીમાં વિજયી ધ્વજ ફરકાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સહ પ્રભારી પંકજ શાહે ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવા પર ભાર દઈ હવે કોમી વૈમનસ્ય ફેલાવતી સરકારને જાકારો આપવા કાર્યકરોને પક્ષની વિચારધારા છેવાડાના ગામ સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.
જસપાલસિંહ ભટ્ટીએ રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ સમેત અનેક વસ્તુઓમાં થયેલા ભાવવધારા થકી મોંઘવારી આસમાનને આંબતી હોવાની લાગણી સાથે વર્તમાન સરકારની નિષ્ફ્ળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. દિપેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લામાં ઉદ્યોગોનો રાફડો ફાટ્યો પણ યુવાનોને રોજગારી કેટલી મળી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસના મોવડી વી. કે. હુંબલે ભુજથી નડિયાદ સુધી રેલવેના અધૂરા કામ, ઠેબે ચડેલો ભુજોડી ઓવરબ્રિજ તેમજ સરકારી શાળાઓની ખસ્તા હાલ સમેતના સ્થાનિક મુદ્દાઓ છેડી તેને લઇ પ્રજા સમક્ષ જવાની નેમ વ્યક્ત કરી.
જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સુવિધા વિહોણી હોસ્પિટલો, વીજકાપ સહિત સ્થાનિકેના અનેક પડતર પ્રશ્નો ઉઠાવી કચ્છના કાર્યકરોને અત્યારથી જ જોશભેર પ્રચારમાં જોડાઈ જવા હાકલ કરી હતી. શિબિરમાં જિલ્લાના તમામ તાલુકામાંથી કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો ઉમટી પડયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.