તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીઝલ કૌભાંડ:મુન્દ્રા પોર્ટ પર ઉદ્યોગના ઓઠા હેઠળ આચરાતું ડીઝલ કૌભાંડ

મુન્દ્રા/ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયાતી અને ભારતીય ડીઝલ વચ્ચે તગડો ભાવફેર કારણભૂત: ડીઝલ કૌભાંડ હવે ચરમસીમાએ પહોંચ્યું
  • પરપ્રાંતમાં જતો પાશેરમાં પૂણી સમાન જથ્થો તો પકડાયો પણ કચ્છમાં થતી તગડી હેરાફેરી નું શું ?: ડીઝલની હેરફેર માટે બેનબંરી ધંધાર્થીઓ માટે પોર્ટ સોફ્ટ ટાર્ગેટ

તાજેતરમાં કેન્દ્ર સરકાર હસ્તકના કસ્ટમ અને ડીઆરઆઈ વિભાગે મુન્દ્રા પોર્ટ પર 57 કન્ટેનર ટાંચમાં લઈ આઇસીડીએસમાં જતો આયાતી ડીઝલનો જથ્થો તો પકડી પાડ્યો પરંતુ સ્થાનિકે નજર કરીએ તો ફક્ત કચ્છમાં થતાં ડીઝલના કાળા કારોબાર નું શુ ? તે બાબત વિચારવાનો વિષય બની છે. સૂત્રોના આક્ષેપ સાચા માનીએ તો મુન્દ્રા પોર્ટ પર ઉદ્યોગના ઓઠા હેઠળ આચરાઇ રહેલું ડિઝલ કૌભાંડ ચરમસીમાએ છે.

ડીઝલ ના મસમોટા કૌભાંડને અંજામ આપતા આયાતકારોની સમગ્ર ગતિવિધીનું વિહંગાવલોકન કરીએ તો મુન્દ્રા પોર્ટ ડીઝલની હેરફેર માટે પહેલાથીજ બેનંબરી ધંધાર્થીઓ માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે. અહીં અગાઉથી છાને ખૂણે કોઈ પણ રૂપે ડીઝલની તસ્કરી અમલમાં હતી.પણ છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજારની સરખામણીએ આયાતી ડીઝલમાં તગડો ભાવફેર આવતાં તેની દાણચોરી કરવા મોટા પ્રમાણમાં આયાતકારો સ્થાનિક પોર્ટ તરફ આકર્ષાયા છે.જેથી તેની હેરાફેરી પરપ્રાંત સમેત કચ્છ જિલ્લામાં પણ ચરમસીમાએ પહોંચી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

આ રીતે થાય છે ડીઝલની હેરાફેરી
બંદરીય વેપાર સાથે જોડાયેલા અંગત વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગલ્ફ તેમજ ઇરાનમાંથી ડીઝલનો જથ્થો આયાત કરાય છે. ભારતીય કાયદા મુજબ વાહનોના અને ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે આયાત થતાં ડીઝલ વચ્ચે હાલની માર્કેટ પ્રમાણે 24 રૂપિયાનો ભાવફેર છે.બંન્ને ડીઝલ વચ્ચેનો તફાવત તેની ડેન્સિટીના આધારે નક્કી કરાય છે અને તેનું પરીક્ષણ સરકાર માન્ય એક માત્ર કંડલાની લેબમાં કરાય છે.અહીંથી ભ્રષ્ચાટારની શરૂઆત થાય છે. ખોટા રિપોર્ટ અને અંગત હિત સાધી કસ્ટમ દ્વારા કરાતા આંખ આડા કાનને કારણે જથ્થાને ઇન્ડસ્ટ્રીઝનું પ્રમાણપત્ર મળી રહે છે અને લાખો કેલનો જથ્થો કચ્છ અને પરપ્રાંતમાં વહેતો કરી આયાતકારો મોટી રોકડી કરી લે છે તેવા આક્ષેપ ઉઠી રહ્યા છે.

ફક્ત પોર્ટમાં પ્રતિદિન 2000 મોટી ગાડીઓની અવર જવર
સૂત્રો વધુ વિગત આપતા જણાવે છે કે ફક્ત પોર્ટમાંજ પ્રતિદીન 2000 મોટી ગાડીઓની અવર જવર રહે છે. તે સિવાય પેટ્રોલપંપો મળીને ડીઝલની 80 ટકા ખપત માત્ર કચ્છ જિલ્લામાં રહે છે. જેમને મૂળ ભાવ કરતા 15 ટકા ઓછા ભાવે આવા આયાતકારો પાસેથી ડીઝલનો જથ્થો મળી રહે છે. હાલ સોના ચાંદી કરતા ડીઝલની તસ્કરીમાં વધુ મલાઈ હોવાથી તેનો કારોબાર પરકાષ્ટાએ હોવાનું ચિત્ર સપાટીએ તરી આવ્યું છે.

ગેરરીતિ અટકાવવાના પૂરતા પ્રયાસો : કસ્ટમ
આ અંગે પ્રતિક્રિયા આપતા મુન્દ્રા કસ્ટમના જન સંપર્ક અધિકારી મીણાએ જણાવ્યું હતું કે દાણચોરીના પ્રયાસોને તેમજ મિસડીકલેર આઇટમોની આયાત પર અંકુશ લાવવા અનેકવિધ પ્રયાસો વિભાગ દ્વારા કરાતા રહે છે. જે સંદર્ભે જ તાજેતરમાં આટલો મોટો જથ્થો પગ કરી જાય તે પહેલાજ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...